મોરબી : મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું કે, મોરબી જિલ્લામાં આવેલા લાલબાગમાં સેવાસદનમાં દર મહિને લાખો કરોડો રૂપિયાનો વહીવટ અને નોંધણી થાય છે એ જ કચેરીમાં પાયાની જરૂરી સુવિધાઓ નથી.લાલબાગ સેવા સદનમાં શૌચાલયની યોગ્ય સુવિધા નથી, આ ઉપરાંત પીવાના પાણીની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. પટાંગણમાં એકપણ સીસીટીવી નથી. કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ ? દરેક ઓફિસના દરવાજા બંધ હોય છે. કચેરીમાં કોઈપણ નોટિસ બોર્ડ નથી. ક્યાં રૂમમાં શું કામગીરી થાય છે તેની વિગત પણ લખવામાં નથી આવી. જેના કારણે અરજદારોને મુશ્કેલી પડે છે. અરજદારોને બેસવા માટે બાકડા નથી. બંધ હાલતમાં સરકારી ગાડીઓ પડી છે. રૂમમાં બારીઓ પણ તૂટેલી છે. કચેરીના કમ્પાઉન્ડમાં બાવળો ઉગી ગયા છે. બરાબર સફાઈ થતી નથી. રાત્રે કોઈપણ સિક્યુરિટી હોતા નથી. આમ હાલ સેવા સદન બિસ્માર હાલતમાં છે. ત્યારે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે આ બાબતો ધ્યાને લઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.