ધારાસભ્યની આગેવાની હેઠળ નર્મદા કેનાલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ : 40 પ્રશ્નો રજૂ થયા મોરબી : નર્મદા કેનાલ બંધ કરી હાલમાં રીપેરીંગ કામ ચાલુ કરાવામાં આવી રહ્યું છે. ત્યારે ખરીફ સીઝનમાં આગોતરા વાવેતર માટે પાણીનો લાભ મળવા સામે પ્રશ્નાર્થ ઉભો થતા ધારાસભ્ય કાંતિલાલે આજે અધિકારીઓ અને ખેડૂતો સાથે બેઠક યોજી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. આ વેળાએ નર્મદા કેનાલના અધિકારીઓએ કેનાલ રીપેરીંગમાં ઝડપી કામગીરી કરી આગામી તા.31મી મે સુધીમાં પાણી શરૂ કરવાની ખાત્રી આપી છે.મોરબી જિલ્લામાં હળવદ, માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતો નર્મદા કેનાલનો લાભ લઇ રહ્યા છે. જો કે, હાલમાં કેનાલમાં પાણી બંધ કરી તમામ કેનાલનું રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આગામી ખરીફ સીઝનમાં આગોતરા વાવેતર માટે પાણી મળવા સામે પ્રશ્નાર્થ સર્જાવાની સાથે કેનાલ રીપેરીંગની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી ખેડૂતોના રોષ ઉઠવા પામતા માળીયા-મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ મોરબી સર્કિટ હાઉસ ખાતે નર્મદા કેનાલના અધિકારીઓ અને ત્રણેય તાલુકાના ખેડૂતોની બેઠક બોલાવી પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરતા ખેડૂતો તરફથી 40 પ્રશ્નો રજૂ થયા હતા જે તમામ પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ લાવવા ખાતરી આપી ગામે -ગામ કમિટી બનાવવાની સાથે તાલુકા કક્ષાની કમિટી રચના કરવા નક્કી કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર નર્મદા યોજનાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર તેમજ માળીયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના અધિકારીઓની હાજરીમા મળેલી આ બેઠકમાં ખેડૂતોએ અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનું તેમજ પાવડીયારી કેનાલ વિસ્તારમાં કેબીન ધારકો અને હોર્ડિંગ્સ વાળા પાસેથી કેનાલના અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોવાનો પણ આરોપ લગાવતા માહોલ ગરમાયો હતો. જો કે, કેનાલ અધિકારીઓ ઉપર થયેલા આક્ષેપો મામલે સુરેન્દ્રનગર નર્મદા યોજનાના સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર નીતિન પટેલે ગોળગોળ જવાબ આપી પત્રકારોના સવાલોથી પીછો છોડાવવા માટે ઇન્ટરવ્યૂ અધૂરું મૂકી ઉભા થઇ ગયા હતા._________________________20થી 25 ટકા જ કામગીરી પૂર્ણ થયાનો ખેડૂતોનો આરોપ હાલમાં નર્મદા કેનાલ બંધ કરી કેનાલનું મરામત તેમજ સફાઈ કામગીરી ચાલુ છે ત્યારે ટેન્ડર પ્રક્રિયા મોદી થવાથી ખરીફ સીઝનમાં ખેડૂતોને પાણી મળવા સામે પ્રશ્નાર્થ ઉભા થતા શુક્રવારે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મળેલી બેઠકમાં ખેડૂતોએ હજુ માંડ 20થી 25 ટકા જ કામગીરી થઇ હોવાનું તેમજ કેનાલ રીપેરીંગ માટે કોન્ટ્રાકટર ફરકતા ન હોવાનું અને અધિકારીઓ પણ ધ્યાન અપાતા ન હોવાનો આરોપ લગાવ્યો હતો._________________________કેનાલના પ્રશ્નો ઉકેલવા ગામે -ગામ કમિટીની રચના : ધારાસભ્ય મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ ખેડૂતો સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, નર્મદા કેનાલનું કામ 30મી સુધીમાં પૂર્ણ કરી કોઈપણ સંજોગોમાં 31મી મેથી પાણી શરૂ કરી દેવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં કોઈપણ ગામના ખેડૂતને કેનાલનો પ્રશ્ન ઉપસ્થિત ન થયા અને કચેરીઓના ધક્કા ન થાય તે માટે ગામે-ગામ કમિટીની રચના કરી ત્રણેય તાલુકાની પણ કમિટીની રચના કરી ખેડૂતોના પ્રશ્નો સત્વરે ઉકેલાઈ તે માટે પ્રયાસ કરી આગામી એક મહિના બાદ ફરી અધિકારીઓ અને ખડૂતો સાથે બેઠક યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું._________________________