રૂ.૧૦ લાખની બમણી રકમ રૂ.૨૦ લાખ ૯% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમમોરબી : મોરબીના વ્યક્તિ પાસેથી સબંધના દાવે પૈસા લીધા બાદ વડોદરાના વેપારીએ ચેક આપતા આ ચેક રિટર્ન થયો હતો. આ કેસમાં કોર્ટે વડોદરાના વેપારીને એક વર્ષની સજા અને બાકી રૂ.૧૦ લાખની બમણી રકમ રૂ.૨૦ લાખ ૯% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જગદીશભાઈ ભાણજીભાઈ વડાવીયા પાસેથી લતીપુરા- વડોદરાના એગ્રો ફુસ એક્ષપોર્ટ પ્રા.લિ.ના ડાયરેકટર ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલે સંબંધ દાવે રૂા. ૧૪,૨૫,૦૦૦ તેમજ બીજી રકમ પણ કટકે કટકે મળીને કુલ રૂા. ૨૮,૦૭,૦૦૦/-હાથ ઉછીના લીધેલા હતા. લેણી રકમની ફરીયાદીએ માંગણી કરતા તહોમતદારે ફરીયાદીને રૂપીયા ૧૪૨૫૦૦૦/- ની લેણીરકમનો ચેક ઈસ્યુ કરેલ જે ચેક બેન્કમા રજુ કરતા અપુરતા ભંડોળના કારણે પાછો ફરતા ફરીયાદીએ તહોમતદાર સામે મોરબીની અદાલતમા ફો.કેસ નાં.૧૬૯૦/૨૦૨૩ થી નેગો.ઈ.એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફરીયાદના કામે તહોમતદારે રૂા.૪,૨૪,૦૦૦/- ચુકવેલ ત્યારબાદની બાકી રકમ રૂા. ૧૦,૦૧,૦૦૦/-દશલાખ એકહજાર પુરા ફરીયાદીને ચુકવવામા નહી આવતા ફરીયાદ પક્ષની કાયદાકીય ધારદાર દલીલો, રજુઆતો અને પુરાવાઓ ઘ્યાને લઈને મોરબીની નામદાર અદાલતે તહોમતદારને એક વરસની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ રૂા.૧૦,૦૧,૦૦૦/-ની ડબલ રકમ એટલેકે રૂા. ૨૦,૦૨,૦૦૦/- નો દંડ ફરમાવતો હુકમ કરેલ છે તથા તે દંડમાથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ટકા ૯% વ્યાજ સહીત ચુકવી આપવાનો હુકમ તા.૨૫/૪/૨૦૨૫ ના રોજ કરેલ છે. આ ફરીયાદના કામે ફરિયાદ પક્ષે મોરબીના વકીલ રાજેશ જે.જોષી, મહેશભાઈ આર.પરમાર તથા જય ડી.જોષી રોકાયેલા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.