બે દિવસથી હાઇવે રોકીને બેઠેલા મહાકાય પોલને ન હટાવાતા વાહન ચાલકોને હાલાકીટંકારા : મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં પવનચક્કીના ખડકલા થઈ રહ્યા છે તેવામાં બે દિવસ પૂર્વે મિતાણા - પડધરી હાઈવે ઉપર ટ્રકમાં લઈ જવાઇ રહેલ પવનચક્કીનો તોતિંગ થાંભલો ટ્રકમાંથી નીચે ખબકતા અડધો હાઇવે બંધ થઈ ગયો છે. ટ્રાફિકથી સતત ધમધમતા આ માર્ગ ઉપરથી તોતિંગ થાંભલો હટાવવામાં ન આવતા અકસ્માતના ભય વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકામાં આડેધડ પવનચક્કીઓ નાખવામાં આવી રહી છે ત્યારે બે દિવસ પૂર્વે પવનચક્કી ઉભી કરવાનો કોન્ટ્રકટ ધરાવતા ઈસમો ટ્રકમાં પવનચક્કીનો તોતિંગ ફાઉન્ડેશન પોલ લઈને જતા હતા ત્યારે હમીરપર ગામ નજીક આ તોતિંગ અને મહાકાય થાંભલો ટ્રકમાંથી નીચે ખાબકતા અડધો હાઇવે રોકી લેવાયો છે. જો કે, બનાવ બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક થાંભલો હાઇવે ઉપરથી હટાવવા તાકીદ કરવામાં આવી હતી. જો કે, ઘટનાને બે દિવસ વીતવા છતાં હજુ આ મહાકાય થાંભલો રસ્તા ઉપરથી દૂર ન કરવામાં આવતા ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા મિતાણા - પડધરી હાઇવે ઉપર અકસ્માત સર્જાવાનું જોખમ ઉભું થયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.