ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કેસરબાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન : વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આજે સામાકાંઠે કેસરબાગ ખાતે 'મોરબીની અસ્મિતા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગાયન, વાદન, રાસ ગરબા, એક પાત્ર અભિનય, સોલો ડાન્સ સહિતની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ એકથી એક ચડિયાતા પર્ફોમન્સ આપીને પોતાની કલાના કામણ પાથરી દીધા હતા. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબરે આવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 4 કલાક ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે અમે આખા વર્ષનું કેલેન્ડર બનાવ્યું છે. સમયાંતરે આવા કાર્યક્રમો યોજવામાં આવશે. અગાઉ યુપીએસસી - જીપીએસસી માટેનો સેમિનાર, પુસ્તક દિવસનો કાર્યક્રમ યોજવાના આવ્યો હતો. આ મહિનાનો આ ત્રીજો કાર્યક્રમ છે. શહેરમાં રોડ- રસ્તા સહિતની સારી સુવિધાઓ ઉપરાંત સાંસ્કૃતિક વિકાસ થાય તેવા પ્રયાસો મહાપાલિકા દ્વારા કરવામાં આવશે.