ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કમિશનર, ડે. કમિશનર, સિરામિક એસોસિએશનના હોદ્દેદારો સહિતના લોકો સફાઈ અભિયાનમાં જોડાયાઆગામી દિવસોમાં સિરામિક એસોસિએશન દર અઠવાડિયે સફાઈ ઝુંબેશ હાથ ધરશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા દર 15 દિવસે શ્રમદાન ફોર મોરબી અંતર્ગત વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે આજે તારીખ 1લી મે ને ગુરુવારના રોજ મોરબીની રવાપર ચોકડી ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર, કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, મોરબી સિરામિક એસોસિએશનની ટીમ જોડાઈ હતી અને રવાપર ચોકડીની આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આજે સિરામિક એસોસિએશન પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાયું છે. દરેક નાગરિકો પણ હંમેશા આવી સાફ સફાઈ રાખે તેવી વિનંતી છે. સૌ સાથે મળીને મોરબીને સ્વચ્છતામાં દેશમાં નંબર વન બનાવીએ.મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આજે શ્રમદાન ફોર મોરબી અંતર્ગત રવાપર ચોકડી ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું છે. જેમાં ધારાસભ્ય અને મોરબી સિરામિક એસોસિએશન પણ જોડાયું છે જે સારી બાબત છે. લોકોમાં સફાઈ બાબતે જાગૃતિ આવે તે ઉદ્દેશ સાથે સફાઈ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં બાકી રહેલા તમામ વિસ્તારોને આવરી લઈશું અને તમામ એસોસિએશનને પણ આ સફાઈ અભિયાનમાં જોડીશું. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં 103 જેટલા જીવીપી છે. જેમાંથી 20 પોઈન્ટ પર બાકડા મૂકવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં સીસીટીવી પણ ત્યાં લગાવી દેવામાં આવશે. મોરબીમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા છે ત્યાં પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરાશે જેના માટે ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. રોડ માર્કિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સરકારે જે 25 કરોડની ગ્રાન્ટ આપી છે તેમાંથી 1 કરોડની ગ્રાન્ટ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ પાછળ ખર્ચવામાં આવશે.સફાઈ અભિયાન અંગે મોરબી સિરામિક એસોસિએશનના હરેશભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આજના સફાઈ અભિયાનમાં 100 જેટલા સિરામિક ઉદ્યોગકારો જોડાયા છે.સફાઈ અભિયાનમાં જોડાયેલા સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ કમિશનરને જણાવ્યું હતું કે, મોરબીને સ્વચ્છ બનાવવા સિરામિક એસોસિએશન સહયોગ આપવા તૈયાર છે. જેના માટે દર અઠવાડિયે એક દિવસ સફાઈ અભિયાન માટે સિરામિક એસોસિએશનના 200 જેટલા શ્રમિકો આપીશું અને અઠવાડિયે એક રોડની સંપૂર્ણ સફાઈ થાય તેવા પ્રયત્નો હાથ ધરીશું. આગામી સમયમાં મહાનગરપાલિકા સાથે બેઠક કરી આ કામગીરી હાથ ધરાશે.