હત્યારાએ બંદૂક વડે ફાયરિંગ કરવા પ્રયાસ કર્યો પણ ગોળી નહિ છૂટતા છરી લઈ તૂટી પડ્યો : હત્યાનું કારણ હજુ પણ બહાર ન આવ્યુંમોરબી : રાજકોટ રહી બીએડનો અભ્યાસ કરતો યુવાન સવારે વેકેશન ગાળવા પોતાના ઘેર મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવ્યા બાદ ગતરાત્રીના સમયે ખાખરાળા ગામના જ શખ્સે છરીના ઉપરા છાપરી ઘા મારી આશાસ્પદ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના આ બનાવ અંગે મૃતકના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, હત્યારાએ પહેલા બંદૂક વડે ફાયરિંગ કરી હત્યા કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ગોળી નહિ છૂટતા બાદમાં છરી લઈ તૂટી પડ્યો હતો.હત્યાના આ બનાવ અંગે મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને ખાનગી નોકરી કરતા જગદીશભાઈ સામતભાઈ કરોતરાએ આરોપી સાગર ઉર્ફે મૂળું આયદાનભાઈ ડાંગર રહે.ખાખરાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો 21 વર્ષીય પુત્ર કિશન હાલમાં રાજકોટ ખાતે બીએડનો અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન હોય કિશન ઉ.21 ગઈકાલે સવારે જ ઘેર આવ્યો હતો અને તેમના કુટુંબીજનો સાથે રાત્રે બજારમાં હાજર હતો ત્યારે આરોપી સાગર ઉર્ફે મૂળુ ત્યાં ધસી આવ્યો હતો અને પોતાના પાસે રહેલી બંદૂક વડે ફાયરિંગ કરી કિશનની હત્યા કરવા કોશિશ કરી હતી. જો કે, બંદૂકમાંથી ગોળી નહિ છૂટતા આરોપી સાગર ઉર્ફે મૂળુએ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી ઉપરા છાપરી ઘા ઝીકી દેતા કિશનને ગંભીર ઇજાઓ પહોંચતા મોરબી સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડી ન હતી. જો કે, હત્યા અંગેનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતક બે ભાઈઓમાં સૌથી મોટો હોવાનું સામે આવ્યું છે.