માળિયા (મિયાણા) : 30 એપ્રિલના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના સભાખંડમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા બેસ્ટ એન્કરીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાઓમાંથી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. બેસ્ટ એન્કરીંગ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.હમણાં તાજેતરમાં પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી NMMS, જવાહર નવોદય, CET પરીક્ષામાં ઉતિર્ણ થયેલા મેરિટમાં આવેલા માળિયાના તાલુકા ટોપ ટેન વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, તથા શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 58 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત આચાર્ય કાંતિલાલ માનસેતા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. શર્મિલાબેન હુમલ દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા શિક્ષકોને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં વધુ વિદ્યાર્થીઓ સફળ થાય તેવી આશા સાથે પ્રેરક ઉદ્દબોધન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના કેન્દ્રબિન્દુમાં વિદ્યાર્થીઓ રહ્યા હતા અને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો હતો.