મોરબી : પીપળીયા ચાર રસ્તા પાસેથી આજે સાંજે ગૌરક્ષકોએ એક બોલેરોમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 10 પશુઓને બચાવી એક શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.આજે સાંજે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌ રક્ષકોને બાતમી મળેલ કે કચ્છ બાજુથી બોલેરો લઈને પશુઓને માળીયા થઈને પીપળીયા ચાર રસ્તા થઈને રાજકોટ લઈ જવામાં આવતા હોય જેના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે ગૌરક્ષકોએ વોચ ગોઠવી GJ 12 BZ 4341 નંબરના વાહનને રોકતા તેમાંથી 10 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. વાહન ચાલકની પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ પશુઓ તેને કચ્છ બાજુથી ભરેલા હોય રાજકોટમાં હાજીના ઘરે કતલ માટે લઇ જવાના છે. આ પશુઓને ગૌ રક્ષકોએ બચાવી પાંજરાપોળમાં મુક્યા છે. બોલેરો વાહનમાં પશુઓને લઈ જતા એક શખ્સને ગૌરક્ષકોએ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને ફરિયાદ નોંધાવી હતી. આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના મોરબી, લીંબડી, ચોટીલા, વિરમગામ, કચ્છ અને રાજકોટના ગૌરક્ષકો જોડાયા હતા.