ટંકારા : ટંકારાની હિરાપર પ્રાથમિક શાળાનાં આચાર્ય અને મોરબી જિલ્લાનાં ICT SRG તરીકે કાર્યરત બેચરભાઈ ગોધાણીએ ડિજિટલ શાળા પોર્ટલનાં સહયોગથી પોતાના તમામ વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામ ઓનલાઈન અપલોડ કરી તેના ઉપયોગ માટે માર્ગદર્શન વિડીયો તૈયાર કર્યો છે. જેમાં બાળકોને આપવામાં આવેલ લિંકમાં પોતાનો UID નંબર નાખી સર્ચ કરે એટલે ડિઝાઇન વાળું વાર્ષિક રિજલ્ટ ડાઉનલોડ કરી શકશે.વર્તમાન સમય એટલે ICT અને AIનો યુગ છે. હાલના સમયમાં કોઈપણ પ્રકારની માહિતી આંગળીના ટેરવે મળી જાય છે ત્યારે શિક્ષણ બોર્ડ, યુનિવર્સિટીઓ અને કેટલીક પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પોતાના રિજલ્ટ ઓનલાઈન જોઈ શકે તે માટે પોતાના પોર્ટલ પર અપલોડ કરતા હોય છે. ત્યારે સરકારી શાળા કેમ પાછળ રહી જાય?સમાજમાં સરકારી શાળાની પોઝીટીવ છાપ ઊભી થાય અને સરકારી શાળાનાં બાળકો પણ બોર્ડ અને યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓની જેમ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકે તે માટે આ સુવિધા કરવામાં આવી છે.