આકરા તાપને કારણે બપોરના સમયે માર્ગો સુમસામ : બજારમાં સન્નાટો મોરબી : એપ્રિલ મહિમા ગરમીએ દાયકાઓ જુના રેકોર્ડ તોડ્યા છે ત્યારે સીરામીક નગરી મોરબીમાં છેલ્લા બે દિવસથી હીટવેવ વચ્ચે મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હોવાના હવામાન વિભાગના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જવાની સાથે જ બજારોમાં પણ સન્નાટો છવાઈ જાય છે. મોરબીમાં આકરા તાપને કારણે ઝાડા, ઉલ્ટી અને લૂ લાગવાના બનાવો પણ વધ્યા છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં રાહત ન મળે તમ હોવાનું જાહેર કર્યું છે ત્યારે મોરબીમાં સોમવારે મહત્તમ તાપમાનનો પારો 44.2 ડિગ્રી વટાવી ગયો હતો. સાથે જ બે દિવસના હીટવેવ એલર્ટ વચ્ચે મંગળવારે પણ મોરબીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બીજીતરફ સીરામીક નગરીમાં આમ પણ સીરામીક એકમોની ભઠ્ઠીને કારણે તાપમાન ઉંચુ રહેતું હોય તેવામાં સૂર્યદેવતાના કોપ વચ્ચે ગરમીનો પારો ઉપર ચડતા શહેરના તમામ રસ્તો ઉપર કર્ફ્યુ જેવા માહોલમાં બપોરના સમયે બજારોમાં પણ સન્નાટો વ્યાપેલો જોવા મળ્યો હતો.