સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવતા હવે ચાર્જફ્રેમ થશેમોરબી : 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં અજંતા - ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના તમામ આરોપીઓએ આઇપીસી કલમ 304 અને 308ના ગુન્હામાં નિર્દોષ છોડી મુકવા કરેલી અરજીની સુનાવણીમાં બન્ને પક્ષની દલીલો બાદ મોરબી કોર્ટે આરોપીઓ જન્મટીપ અને દસ વર્ષની સજાની જોગવાઈ વાળી કલમોમાંથી છૂટી જવા માંગતા હોવાનું અને અન્ય હળવી કલમો કે જેમાં ત્રણથી છ મહિનાની સજાની જોગવાઈ છે તેવી કલમો મુજબ કેસ ચલાવવાની માનસિકતા ધરાવતા હોવાનું નોંધી તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.મોરબીમાં ઝૂલતાપુલ કેસમાં 135 નિર્દોષ લોકોના મોત મામલે અજંતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના 10 આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ નોંધાયેલી ફરિયાદ બાદ કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યા બાદ તમામ આરોપીઓએ અલગ અલગ પાંચ અરજી કરી તેમની સામે નોંધવામા આવેલ કલમો મુજબ ગુનો બનતો ન હોવાનો દાવો કરી આઇપીસી કલમ 304 તેમજ 308માંથી મુક્ત કરવા ડિસ્ચાર્જ અરજીઆ નવેમ્બર 2024માં કરી હતી.સમગ્ર મામલે દસ આરોપીએ ચાર વકીલ મારફતે કોર્ટમાં અલગ-અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી દાખલ કર્યા બન્ને પક્ષે દલીલો કરવામાં આવતા સરકારપક્ષે આરોપીઓ જન્મટીપ અને દસ વર્ષની સજાની જોગવાઈ વાળી કલમોમાંથી મુક્તિ માંગી છે જ્યારે ત્રણથી છ મહિનાની સજાની જોગવાઈ મુજબની કલમોમાં આરોપીઓએ એટલો સમય જેલમાં ગાળી લીધો હોય હવે આ હળવી કલમો મુજબ કેસ ચલાવી મુક્ત થવાના ઇરાદે જ અરજી કર્યાની દલીલ કરતા કોર્ટે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો ધ્યાને લઇ તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. વધુમાં ડિસ્ચાર્જ અરજીનો નિકાલ થતા હવે ચાર્જ ફ્રેમ થયા બાદ ઝૂલતાપુલ કેસ આગળ ચાલશે તેમ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.બીજી તરફ ઝૂલતાપુલ કેસમાં વિકટીમ એસોસિએશન અને અન્ય એક વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન જિલ્લા કલેકટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના સત્તાધીશો સામે પણ ગુન્હો નોંધવા કરેલી અરજી એડમિટ થઈ હોય સુપ્રીમ કોર્ટની અરજીની વિગતો પણ મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવી હોવાનું જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.