અનેક કમીસન એજન્ટો પાસેથી જણસ ખરીદ્યા બાદ 15થી 20 દિવસ થવા છતાં નાણા ન ચૂકવ્યા : હરાજી અટકી જતા ખેડૂતોને અને યાર્ડને ફટકોહળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં એક પેઢીએ રૂ.10.44 કરોડનું ફુલેકુ ફેરવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.જેને પગલે છેલ્લા બે દિવસથી યાર્ડ બંધ છે. હરાજી અટકી જતા સમગ્ર પંથકના ખેડૂતોને પણ ફટકો પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર યાર્ડમાં આવેલ 91 નંબરની દુકાન ક્રિષ્ના એન્ટરપ્રાઈઝના માલિક મનીષભાઈ પટેલ અને તેમની નીચે કામ કરતા જે.ડી.લોરીયા દ્વારા સૌથી વધુ જીરૂની ખરીદી કમિશન એજન્ટો પાસેથી કરી હતી.જુદી જુદી પેઢીઓનું તેમની પાસેથી અધધધ રૂ.10.44 કરોડનું લેણું નીકળે છે.માર્કેટ યાર્ડનો નિયમ છે કે કોઈ પેઢી લે વેચ કરે તેને દિવસ 3માં પેમેન્ટ ચૂકવી દેવાનું હોય છે. જો આવું ન થાય તો એના લેટર પેડ ઉપર યાર્ડને રજુઆત કરવાની હોય છે.ત્યારબાદ યાર્ડ આગળની કાર્યવાહી કરે છે. કમિશનર એજન્ટોના નિયમ મુજબ 7 દિવસની અંદર એકબીજાને પેમેન્ટ આપી દેવાનુ હોય છે.પણ આ પેઢીએ છેલ્લા 15થી 20 દિવસથી કોઈને પેમેન્ટ ચૂકવ્યુ નથી. ઉપરાંત પેઢી બંધ કરી દેવાય છેજો કે પેઢીઓ અને એજન્ટોએ આટલા દિવસ થયા છતાં મોડેથી આ અંગે જાણ કરી છે.માર્કેટ યાર્ડ દ્વારા પૈસા ભરપાઈ ન કરનાર પેઢીને નોટિસ આપી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં જવાબ તેમજ આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. જો આ પેઢી જવાબ રજૂ નહિ કરે તો યાર્ડ એકતરફી નિર્ણય કરશે તેવું જણાવાયુ છે. આ ઘટનાને પગલે માર્કેટ યાર્ડમાં આજે સતત બીજા દિવસે બંધ છે. હરાજીનું કામ બંધ હોવાથી ખેડૂતોને ફટકો પડ્યો છે. આવતીકાલે અખાત્રીજ છે તેવામાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે આ જ પેઢી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટા પ્રમાણમાં જણસ ખરીદી પૈસા ન ચુકવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ તેવી પણ શક્યતાઓ છે.