કેટલા સમયથી રહેતા હતા, કેવી રીતે આવ્યા તે જાણવા તપાસનો ધમધમાટમોરબી : આતંકી હુમલા બાદ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના મકનસરમાંથી એસઓજીની ટીમે 10 બાંગ્લાદેશીઓને ડિટેઇન કરી પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. પરિણામે સરકારે પાકિસ્તાન સામે એક્શન લેવાનુ શરૂ કર્યું છે. તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા છે. તેમને પરત પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે ગુજરાત સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. ઉપરાંત ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગલાદેશીઓ વિરૂદ્ધ પણ ઝુંબેશ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધીમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી એસઓજી ટીમે મકનસર ગામે ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશીઓને ડિટેઇન કર્યા છે. આ તમામ લોકો કેવી રીતે ભારત આવ્યા, ક્યારે આવ્યા અને અહીં શુ કામગીરી કરતા હતા તે સહિતની વિગતો જાણવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં આ તમામ બાંગ્લાદેશીઓના નામ હજુ એસઓજી દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ બે દિવસ પૂર્વે જ રાત્રીના સમયે પોલીસ દ્વારા સોની બજાર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 400 જેટલા બંગાળી કારીગરોના આઇડી તપાસવામાં આવ્યા હતા.