હળવદના વોર્ડ નંબર 1માં પાણીના સંપમાંથી લાખો લીટર પાણીનો બગાડહળવદ : હાલ ઉનાળો તપી રહ્યો છે. તેવા સમયે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે. બીજી તરફ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ પાણી પુરવઠાના સંપમાંથી લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.જેના કારણે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી સંપના કર્મચારીઓને વેડફાતું પાણી બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી છે.અન્યથા આવતા બે દિવસમાં સંપનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચારી છે. હળવદ પંથકમાંથી પસાર થતી મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ છે જેથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે બીજી તરફ શહેરના વોર્ડ નંબર એકમાં ટીકર રોડ પર આવેલ પાણી પુરવઠાના સંપમાં થી દરરોજ રાત્રે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.જે પાણી સીધું વોર્ડ નંબર એકમાં આવેલ ગંગાનગર પાસેના રેલવે નાલા પાસે પહોંચી જતું હોય જેથી ત્યાંથી પસાર થતાં અનેક વાહન ચાલકો અને લોકોને ભારે પરેશાની ભોગવી પડી રહી છે. આજે વોર્ડ નંબર એકનાં પાલિકાના સભ્ય ભારતીબેન ગોપાલભાઈ દોરાલાએ સ્થાનિક લોકોને સાથે રાખી વેડફાતુ પાણી બંધ કરાવવા પાણી પુરવઠાના જવાબદાર કર્મચારીઓને રજૂઆત કરી છે.વધુમાં ગોપાલભાઈ એ જણાવ્યું હતું કે અહીં પાણીના સંપમાં વાલમેન રૂપિયા લઈને વાલ ખોલો રાખે છે જેના કારણે આ લાખો લીટર પાણી વેડફાય છે અને આ પાણી સીધું ગટરથી આગળ ખેડૂતોને અપાય છે.જેના બદલામાં વાલમેન રૂપિયા પણ લેતો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે.લાખો લીટર પાણી રોડ પર આવી જતા આજુબાજુમાં માલધારીઓ દ્વારા માલ ઢોર માટે બનાવેલ વાડા માં પડેલ ઘાસચારો પણ પલળી ગયો છે.ઉપરાંત બાજુમાં જ ગંગાનગર હોય તે વિસ્તારના લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.આવતા બે દિવસમાં વેડફાતું પાણી બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી પાણી પુરવઠાના સંપનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.