રહીશો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ લેખિતમાં કરાઈ રજૂઆત મોરબી : મોરબીમાં ભીમરાવનગરમાં પીવા માટે શુદ્ધ પાણી ન મળતા તેમજ આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ ન હોવાથી આ વિસ્તારમાં રહીશો દ્વારા પાણીની વ્યવસ્થા કરાવવા તેમજ સફાઈ કર્મીઓ મૂકવા બાબતે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભીમરાવનગરના રહીશો દ્વારા એપ્રિલ 2024 અને ડિસેમ્બર 2024માં પીવાના શુદ્ધ પાણી અને સફાઈ કર્મી અંગે લેખિતમાં ફરિયાદ કરી છે. જેની મહાનગરપાલિકા તંત્ર દ્વારા નોંધ લેવાઈ નથી. આ વિસ્તારમાં અનુસુચિત જાતિ અને પછાતોની વસતી હોવાથી તંત્ર ધ્યાન આપતું નથી. તા. 1-1-2025થી મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છતાં અનુસુચિત જાતિ - પછાતો તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. અનુસુચિત જાતિના હક્ક - અધિકારોનું હનન કરવું એ સંવૈધાનિક અપરાધ ગણાય છે. અનુસુચિત જાતિ અત્યાચાર ધારો લાગુ પડે છે. જેથી તાત્કાલીક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ સફાઈ કર્મી મૂકવા માંગ કરાઈ છે અને જો આ માંગ સ્વીકારવામાં નહિ આવે તો ભીમરાવનગરની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.