મોરબી : આંદરણા ગામે કથાના મુખ્ય યજમાન ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા સંપન્ન થઈ છે. વેદ વિધ્યા વિભૂષિત, સંસ્કૃતજ્ઞ, ભાગવત પિયુષપરાયણ પિયુષ મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન આંદરણાની ધર્મ પ્રેમી જનતાને તારીખ 21 થી તારીખ 27 સુધી આ જ્ઞાન યજ્ઞમાં શ્રીમદ ભાગવત કથામૃત પીરસાયું હતું.કથાના દિવસો દરમિયાન કથાના પ્રથમ દિવસે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ એવા મોહનભાઈ કુંડારિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ જ્ઞાનયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જયંતીભાઈ પડસુંબીયા, રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા, અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા સહિતનાં રાજકીય આગેવાનો, દામજી ભગત તેમજ અન્ય સંતો-મહંતોએ ભાગવત કથામૃતનો લાભ લીધો હતો. સાથે જ આ કથામાં જમ્મુ કાશ્મીરમાં થયેલાં આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. શ્રોતાજનો દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ધારાસભ્ય સહિતના નેતૃત્વની હાજરીમાં આપણો દેશ ઇંટનો જવાબ પથ્થરથી આપે એવો ગ્રામજનોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.સપ્તાહના દિવસો દરમિયાન રાત્રે રશ્મિતાબેન રબારી અને મમતા સોની દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ, માતાજીના ભુવાઓ દ્વારા ભુવા ડાકલા, તેમજ અભિલાષા યુવક મંડળ બગથળા દ્વારા શેણી વિજાણંદનું સુંદર મજાના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાગવત કથાના સફળ આયોજનમાં ગ્રામજનોનો નોંધપાત્ર સહકાર રહ્યો હતો. આજે કથા સપ્તાહના અંતિમ દિવસે કથાના આયોજનમાં સામેલ તમામ ગ્રામજનો, આમંત્રિત મહેમાનોના સ્વાગત સાથે આદ્રોજા પરિવાર દ્વારા તમામ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવામાં આવી હતી.