જો 4 દિવસમાં પાણી પ્રશ્નનો હલ નહિ આવે તો સરપંચો રાજીનામા ધરી ગામે-ગામથી લોકોને ભેગા કરી રેલી કાઢશે : છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરી લીધી છતાં કોઈ પરિણામ ન મળ્યું હોવાનો રોષ વ્યક્ત કરતા સરપંચો મોરબી : માળિયા મિયાણા તાલુકાના 7 ગામોમાં છેલ્લા દોઢ વર્ષથી પાણીની હાડમારી સર્જાઈ રહી છે. આ મામલે અનેક રજૂઆતો કરી હોય પણ પરિણામ ન મળ્યું હોય, આ ગામના સરપંચોએ તંત્રને 4 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો પાણીનો પ્રશ્ન હલ નહિ થાય તો સરપંચો રાજીનામાં દઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલે સરપંચોએ જણાવ્યું કે માળિયા મિયાણા તાલુકાના નાના ભેલા, ચમનપર, ભાવપર, વવાણીયા, બગસરા, મોટાભેલા, લક્ષ્મીવાસ ગામમાં છેલ્લા દોઢથી બે વર્ષથી પાણી પૂરતી માત્રામાં મળતું નથી. ઓછા ફોર્સથી પાણી આવે છે. પહેલા દરરોજ પાણી આવતું, હવે ત્રણ દિવસે પાણી આવે છે. એ પણ રાત્રે બે વાગ્યે પાણી આપવામાં આવે છે. આ મામલે કલેકટરને, ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓને, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને, પાણી પુરવઠા બોર્ડને રજૂઆતો કરી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. સરપંચોએ જણાવ્યું કે માળિયાના નાના ભેલા સંપની નીચે 7થી 8 ગામો આવે છે. તેમાંથી સરખું પાણી મળતું નથી. કોઈ સરખો જવાબ પણ દેતું નથી. એજન્સીઓ બદલે છે પણ પાણીની પાઈપલાઈનો જે ખરાબ છે તેનું કામ થતું નથી. અમને પાણીનો જથ્થો ઓછો મળે છે. જ્યારે ગેરકાયદેસર રીતે કારખાનાઓમાં પાણી મળે છે.સરપંચોએ રોષ પ્રગટ કરતા કહ્યું કે આ પાણીના પ્રશ્નને લીધે અમે અમારા ગામમાં લોકો વચ્ચે જઈ શકતા નથી. પણ હવે તંત્રને 4 દિવસનો સમય આપીએ છીએ. જો 4 દિવસમાં પાણીનો પ્રશ્ન દૂર કરવામાં નહિ આવે તો અમે રાજીનામાં ધરી દેશું. ઉપરાંત ઉગ્ર આંદોલન કરીશું. ગામે ગામથી લોકોને ભેગા કરીને રેલી યોજીશું.