પ્રથમ દિવસે ચણા અને રાયડાની ખરીદી માટે 25- 25 ખેડૂતોને બોલાવાયા હળવદ : હળવદ માર્કેટ યાર્ડ ખાતે આજે નાફેડ તથા ગુજકોમાસોલ મારફતે હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ચણા તથા રાયડાની ટેકાના ભાવે ખરીદીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ આજે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો છે.આ વેળાએ હળવદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન રસિકભાઈ વરમોરા,માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,સંઘના મેનેજર દર્શનભાઈ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખની એ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એક ખેડૂત પાસેથી મેક્સિમમ 90 મણ ચણાની ખરીદવામાં આવશે જેનો પ્રતિ મણનો ભાવ1130 છે.જ્યારે રાયડો એક ખેડૂત પાસેથી 67 મણ ખરીદવામાં આવશે જેનો પ્રતિ મણનો ભાવ 1190 રૂપિયા છે.હળવદમાં ચણાનું વેચાણ કરવા માટે 3087 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે રાયડાનું વેચાણ કરવા માટે 385 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આજે પ્રથમ દિવસે ચણા અને રાયડો વેચવા માટે 25-25 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.