મોરબી : મોરબીની સિરામિક ટાઈલ્સની પેઢી પાસેથી ટાઈલ્સ ઉધારમાં ખરીદી કર્યા બાદ રકમ ન ચુકવનાર અમદાવાદની સિરામિક પેઢીને કોર્ટે ફટકાર લગાવી છે અને અમદાવાદની સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની સજા અને બમણી રકમનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.કેસની વિગત જોઈએ તો, મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા. લી. પાસેથી અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા. લી. તરીકે ધંધો કરે છે તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ મોરબીના આશુતોષ ટાઈલ્સ પ્રા.લી. પાસેથી ઉધારમાં ખરીદી 65 લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના 25 લાખના બે ચેકો આપ્યા હતા. આ ચેક પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થઈ હતી. જે બંને કેસો કોર્ટમાં ચાલી જતાં મોરબીના જ્યુડી. મેજિસ્ટ્રેટ સી.વાય. જાડેજાની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવી દરેક કેસમાં એક વર્ષની જેલની સજા તથા ચેકની બમણી રકમ 50 લાખનું વળતર 60 દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની વધુ જેલ સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફે બી. એન. શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.