મેલેરીયાની તપાસ માટે 2.85 લાખ લોહીના નમૂના લેવાયામોરબી : 25 એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ, જે દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મેલેરિયા રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. આ વર્ષે મેલેરિયા દિવસની થીમ Malaria Ends With Us: Reinvest, Reimagine, Reignite રાખવામાં આવી છે. મેલેરિયા અંગે જાગૃતિના પ્રયાસો જે આમ જોઈએ તો ફક્ત એક દિવસ પૂરતા નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી પ્રક્રિયા છે. સરકાર દ્વારા મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ બાબતે યોગ્ય તકેદારી રાખવામાં આવે છે. ઉપરાંત લોકજાગૃતિ માટે પણ અનેકવિધ પ્રયાસો કરવામાં આવે છે. સરકારના આરોગ્ય વિભાગ હેઠળ મોરબી જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા વર્ષ દરમિયાન મેલેરિયા નિયંત્રણ અને જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવે છે.મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવે મેલેરિયા દિવસની ઉજવણી અન્વયે જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકજાગૃતિ માટે તમામ આરોગ્ય કેન્દ્ર પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને પત્રિકા, બેનર પ્રદર્શન તેમજ રંગોળી દ્વારા મેલેરિયા અંગે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મેલેરિયાના મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે પણ સમૂહ ચર્ચા, શહેરી-મહોલ્લા મીટીંગ તેમજ ગામડાઓની મુલાકાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.મેલેરિયા એલીમીનેશન લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન અનુસાર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેલેરિયા કેસની જાણકારી, ઇન્વેસ્ટિગેશન અને ફોલોઅપ સહિતની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં 2,85,378 જેટલા મેલેરિયાની તપાસ માટે લોહીના નમુના લેવામાં આવ્યા હતા અને તેની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 69 જેટલા કેસ પોઝિટિવ આવતા તમામની સઘન સારવાર કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ગત વર્ષે 3 વખત અભિયાન સ્વરૂપે સઘન સર્વેલન્સ હેઠળ એબેટ સારવાર, પોરાનાશક કામગીરી, ઘર મુલાકાત તથા જનજાગૃતિ સહિતની કામગીરી કરવામાં આવી હતી.મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે તે માટે પણ વર્ષ દરમિયાન વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જેની વાત કરીએ તો આરોગ્ય કર્મીઓ અને આશાવર્કર બહેનો દ્વારા ગામડે ગામડે જઈ ત્યાં ઘરોની મુલાકાત લઇ ઘરેલુ વપરાશ માટે ઉપયોગમાં લેવાતા વાસણો કે જેમાં પાણી ભરવામાં આવતું હોય કે ભરાયેલું રહેતું હોય ત્યાં એબેટ સારવાર કરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે ગત વર્ષે મોરબી તાલુકામાં વર્ષ દરમિયાન 19 લાખ પાત્રો, માળીયા તાલુકામાં 3 લાખ પાત્રો, વાંકાનેર તાલુકામાં 16 લાખ પાત્રો, ટંકારા તાલુકામાં 6.25 લાખ પાત્રો અને હળવદ તાલુકામાં 6.9 લાખ પાત્રો તથા શહેરી વિસ્તારના 11 લાખથી વધુ પાત્ર મળી જિલ્લામાં કુલ 62 લાખથી વધુ પાત્રોને એબેટ સારવારથી રક્ષિત કરવામાં આવ્યા હતા.મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને ધ્યાનમાં રાખી જિલ્લાના એવા પાણીના સ્ત્રોત કે જ્યાં કાયમી પાણી ભરાયેલું રહેતું હોય તેવી કુલ 1464 જગ્યાઓ પર મચ્છર પોરાભક્ષક ગપ્પી અને ગંબુસીયા નામની માછલીઓ મૂકવામાં આવી હતી. જે ગામોમાં મેલેરીના કેસો વધારે નોંધાતા હોય કે નોંધાય એમ હોય તેવા સંભવિત ગામોને કેન્દ્રમાં રાખી દવા છંટકાવ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગત વર્ષે હાઈ રિસ્કના 14 ગામડાઓના 4640 ઘરોમાં વર્ષમાં બે વખત દવા છંટકાવ કરવામાં આવી હતી, જેના હેઠળ 24,409 જેટલી વસ્તીને આવરી લેવામાં આવી હતી.ઉપરાંત જનજાગૃતિ માટે પત્રિકા વિતરણ, બેનર, જૂથ ચર્ચા, શિબિર તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે પણ ઉજવવામાં આવે છે.