કલેકટર તંત્રને આવેદન અપાયું, કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ : મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો જોડાયામોરબી : પહેલગામમાં આતંકી હુમલા સામે સમગ્ર મોરબીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સુન્ની મુસ્લિમ સમાજના નેજા હેઠળ મુસ્લિમ આગેવાનોએ રેલી યોજી આતંકવાદીનું પોસ્ટર સળગાવી આ ઘટના સામે વિરોધ નોંધાવ્યો છે. સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જુના બસ સ્ટેન્ડ પાસે મસ્જિદથી જિલ્લા કલેકટર કચેરી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી. આ પૂર્વે તેઓ દ્વારા આતંકવાદીનું પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાન મૂર્દાબાદ, આતંકવાદ નાબૂદ કરો સહિતના પોસ્ટર સાથે જોડાયા હતા. તેઓએ કલેકટર તંત્રને આવેદન આપી આ ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં વખોડીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. આ વેળાએ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. જે કુરાનનું અનુકરણ કરે તે મુસ્લિમ હોય છે. કુરાનમાં તો આખી દુનિયામાં રહેમત ફેલાવવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત પયગંબર સાહેબે વતન પહેલા તેઓ સંદેશ આપ્યો છે. આવા લોકો મુસ્લિમ તો નહીં પણ ઇન્સાન કહેવાને પણ લાયક નથી. આવા લોકો સાથે ઇસ્લામને કોઈ લેવા દેવા નથી. અમે ઇચ્છીએ છીએ કે આ લોકોને શોધી શોધીને કડકમાં કડક સજાઓ આપવામાં આવે.