નવા બસ સ્ટેન્ડથી નગરદરવાજા સુધીની રેલી : આતંકવાદીઓનું પૂતળું પણ સળગાવાશે : મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા મોરબી : આતંકી ઘટનાના વિરોધમાં મોરબીમાં આજે ભારે આક્રોશ સાથે સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આ સાથે અત્યારે મૌન રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. ત્યારે આ ઘટનાએ દેશભરમાં રોષ પ્રગટાવ્યો છે. મોરબીમાં પણ આ આતંકી ઘટનાને વખોડી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદ - બજરંગ દળ દ્વારા આજે બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપીને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંધને સારો પ્રતિસાદ મળતા મોટાભાગના ધંધા રોજગાર બંધ છે. તમામ વેપારી મંડળો અને અનેક સંગઠનોએ આ બંધને સમર્થન જાહેર કર્યું છે. વધુમાં નવા બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં મૌન રેલી શરૂ થઈ છે. આ રેલી નગરદરવાજા સુધી યોજાનાર છે. વધુમાં આજે આતંકીઓના પૂતળાનું દહન પણ કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે.