એસએમસીની તપાસ બાદ લાંચ અંગેનો ગુન્હો દાખલ થયા બાદ પીઆઇ - હેડ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી ગયામોરબી : ગત નવેમ્બર 2024માં રાજકોટ - મોરબી હાઇવે ઉપર આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી ટંકારાના તત્કાલીન પીઆઇ ગોહીલ અને હેડ કોન્સ્ટેબલ લાખો રૂપિયાનો તોડ કરવા પ્રકરણમાં એસએમસીની તપાસ બાદ બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ચકચારી પ્રકરણમાં લાંચ મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી ગુન્હો દાખલ થયો હોય અને સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે ત્યારે પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ હાજર ન થતા બન્નેને ફરારી જાહેર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.ટંકારા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૬૨૪૧૦૮૨/૨૦૨૪ B.N.S કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના કામના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. જેથી બન્ને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા, કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. જેથી બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.