પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યુંમોરબી : મોરબીના નાની વાવડી ગામે એક યુવકની બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરનાર બે યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં એક યુવાન તો માત્ર 19 વર્ષનો છે. પોલીસે બન્ને આરોપીઓને પકડી તેને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ નાની વાવડી ગામે રહેતા દિપક ભાણજીભાઈ મકવાણાની લાશ મળી આવ્યા બાદ બનાવ અંગે મૃતકના પિતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણાએ હત્યાના આ બનાવમાં આરોપી હિમાંશુ પ્રેમજી સોલંકી ઉ.વ.19 અને ગૌતમ હીરાભાઈ ઉભડીયા ઉ.વ.29 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે જેમાં ચારેય દીકરીઓના લગ્ન થઈ ગયા છે. જ્યારે એક પુત્ર દિવ્યાંગ હોય મૃતક દિપક એક જ કમાનાર વ્યક્તિ હોય ઘરનું ગુજરાન દિપક ચલાવતો હતો.આ બન્ને શખ્સોએ પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરી હતી. હત્યા કરનાર એક શખ્સ હિમાંશુ પ્રેમજીભાઈ સોલંકી તો હજુ માત્ર 18 વર્ષ અને 11 મહિનાનો જ છે. તેને ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. હાલ તો પોલીસે બન્ને શખ્સોની ધરપકડ કરી બન્નેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ વેળાએ મૃતક યુવકના પરિવારજનો વિલાપ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત આખું ગામ એકત્ર થઈ ગયું હતું.