હાલ કાશ્મીરમાં રહેલા મોટાભાગના લોકો સેડ્યુલ ટૂંકાવી વતન પરત ફરશે : અત્યારે શ્રીનગરમાં વાતાવરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું જણાવતા પ્રવાસીઓ40થી વધુ લોકોએ વેકેશનમાં કાશ્મીર ફરવા જવાના પ્લાન બનાવ્યા હતા, અનેક લોકોએ બુકીંગ કેન્સલ કરાવ્યામોરબી : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં 26 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 20થી વધુ લોકો હાલ જમ્મુ કાશ્મીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આમાંથી મોટાભાગના સેડ્યુલ ટૂંકાવીને વતન પરત ફરવાના છે. બીજી તરફ અંદાજે 40થી વધુ લોકો વેકેશનમાં કાશ્મીર જવાનો પ્લાન બનાવ્યો છે. આમાં અનેક લોકોએ પોતાના પેકેજ કેન્સલ કરાવી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના પ્રમુખ અને અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક જીજ્ઞેશભાઈ અઘારાએ જણાવ્યું કે મોરબીમાં જે ટ્રાવેલ એજન્સી હસ્તક લોકો જમ્મુ-કાશ્મીર ગયા છે. એજન્સી તેઓના સતત સંપર્કમાં છે. જરૂર પડ્યે એજન્સી ત્યાંથી મદદ પણ આપવા સક્ષમ હતી. પરંતુ કોઈ ચિંતાની વાત નથી. મોરબીથી ગયેલા તમામ લોકો સુરક્ષિત છે. તેઓની ટ્રાવેલ એજન્સી મારફત હાલ ત્રણ લોકો જમ્મુ કાશ્મીરમાં છે. તેઓ હાલ શ્રીનગરમાં છે. જો કે તેઓનું આવતીકાલ સુધીનું જ પેકેજ હતું. એટલે તેઓ સેડ્યુલ મુજબ જ આવતીકાલે પરત ફરી રહ્યા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે 37 જેટલા લોકો મે મહિનાની અલગ અલગ તારીખે જમ્મુ-કાશ્મીર જવાના હતા. પણ બધા પેકેજ કેન્સલ કરવાનું વિચારી રહ્યા છે. બે દિવસ બાદ સ્થિતિ જોઈને તેઓ અંતિમ નિર્ણય લેશે. મોરબીના Fit 2 Fly Holidays Pvt Ltdના માલિક વિશાલભાઈ કાસુન્દ્રા હસ્તક મોરબીના 18 લોકો જમ્મુ- કાશ્મીર ગયા હતા. એજન્સીના માલિકના જણાવ્યા અનુસાર તમામ લોકો હાલ સુરક્ષિત છે. હાલ તમામ લોકો શ્રીનગરમાં છે. તમામ લોકો ટુર ટુંકાવીને બે દિવસ વહેલા વતન આવી જશે. વધુમાં તેઓએ ઉમેર્યું કે એક ગ્રુપ વેકેશનમાં ત્યાં જવાનું હતું. તેઓએ બુકીંગ કેન્સલ કરાવ્યું છે. જ્યારે અન્ય ત્રણ ગ્રુપે હજુ બુકીંગ કેન્સલ કરાવ્યું નથી. ત્યાં ગયેલા લોકો જણાવી રહ્યા છે કે શ્રીનગરમાં વાતાવરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત લાગી રહ્યું છે. આર્મી અને ત્યાંના સ્થાનિકો ખૂબ મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં મીની સ્વિત્ઝર્લેન્ડ ગણાતા પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે. તેમાં 26 લોકોના મોત થયા છે. હાલ સમગ્ર વિસ્તારમાં આર્મી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓ કાશ્મીર છોડી વતનની વાટ પકડી રહ્યા છે. જેને કારણે કાશ્મીર હાલ સુમસામ બન્યું છે. બીજી તરફ દેશભરમાંથી પર્યટકો દ્વારા જમ્મુ કાશ્મીરના બુકીંગ ધડાધડ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ત્યાંના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડવાનો છે.