પોલીસ, જીએસપીસી અને ફાયરની ટિમ 10 મિનિટની અંદર પહોંચી ગઈ : 108 મોડી પડી મોરબી : મોરબીના સામાકાંઠે ફ્લોરા પામ્સ બિલ્ડીંગમાં સાંજે મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં આગની ઘટનામાં એક વ્યક્તિ બેભાન થઈ હતી. આ બનાવમાં પોલીસ, જીએસપીસી અને ફાયરની ટિમ 10 મિનિટની અંદર પહોંચી ગઈ હતી. જ્યારે 108 મોડી પડી હતી.સમયાંતરે વિવિધ સરકારી વિભાગોની સતર્કતા તપાસવા માટે તંત્ર દ્વારા મોકડ્રિલ યોજવામાં આવતી હોય છે. આવી જ રીતે મોરબી મહાપાલિકા દ્વારા સામાકાંઠે ડીમાર્ટ પાસે આવેલ ફ્લોરા પામ્સમાં આગની મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ ગૂંગણામણને કારણે બેભાન પણ થઈ હતી. આગ લાગવાની જાણ થતાં 10 મિનિટની અંદર જ જીએસપીસી, ફાયર, પોલીસની ટિમ પહોંચી ગઈ હતી. જયારે 108ની ટિમ મોડી પડી હતી. જે બદલ તેની સામે રિપોર્ટ પણ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.તમામ ટીમો ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રિલમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં અહીંના સ્થાનિકોને આગ લાગે ત્યારે શું શું પગલાં લેવા અને આગ ન લાગે તે માટે શું શું તકેદારીઓ રાખવી તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.