રાત્રે લઘુશંકા કરવાની જગ્યાએ ગયા, સવારે ત્યાંથી મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ મોરબી : મોરબીના નાની વાવડી ગામે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે દીપકભાઈ ભાણજીભાઈ મકવાણા ઉ.વ.35 ગત રાત્રીના સાંજે 7 વાગ્યાના અરસામાં મિત્રો પાસેથી છુટા પડીને લઘુશંકા કરવાની જાહેર જગ્યાએ ગયા હતા. ત્યારબાદ સવારે ત્યાંથી તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ મામલે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકનું કુદરતી રીતે મોત થયું છે કે હત્યા થઈ છે તે દિશામાં હાલ આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.