વર્ષ 2018ના કેસમાં પોકસો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : ભોગ બનનારને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો આદેશમોરબી : હળવદની ચરાડવા ગુરૂકુળમાં એડમિશનના બહાને સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે શખ્સોને પોકસો કોર્ટે 10 વર્ષની સજા સાથે દંડ ફટકારી મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સાથે ભોગ બનનારને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ચરાડવામાં આવેલી ગુરૂકુળમાં એક સગીરા વર્ષ 2018માં નર્સિંગમાં એડમિશન લેવા આવી હતી. ત્યારે ગુરૂકુળ સંચાલક લલીતભાઈ ઉર્ફે શાસ્ત્રીજી મકનભાઈ આમોદરા, ઉ.વ. ૪૫, રહે.ચરાડવા,એસ.એસ. સંકુલ, તા. હળવદ, હાલ- રહે. મોરબી-ર, ગીતાપાર્ક, સામાકાંઠે, ફલોરા સોસાયટીની પાછળ અને અલ્કેશભાઈ મહેન્દ્રભાઈ કુંજડીયા, ઉ.વ. ૩૪, રહે.ચરાડવા, એસ. એસ. સંકુલ, તા. હળવદ, મુળ- રહે. રીઝા, તા. તારાપુરવાળાએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવીને 10 વર્ષની સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટ દ્વારા ભોગ બનનારને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન. ડી. કારીઆ રોકાયેલ હતા.