મામલતદાર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરી નગરપાલિકા રદ્દ કરવાની ઉગ્ર માગણી કરાઈટંકારા : છેલ્લા ઘણા સમયથી ટંકારાને મળેલો નગરપાલિકાનો દરજ્જો રદ્દ કરવાની માગ ઉઠી રહી છે. ત્યારે આજ રોજ ટંકારા નગરપાલિકા રદ્દ કરવાની માગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારાના લોકોએ રેલી મારફતે મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદાર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી.ટંકારાના રહીશ હબીબભાઈ સંઘીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટંકારા ગ્રામ પંચાયત ભંગ કર્યા વગર રાજકીય રીતે નગરપાલિકા જાહેર કરવામાં આવી છે. તેના માપદંડ પર ખરી ઉતરતી નથી. ટંકારાની વસ્તી માત્ર 10 હજાર જેટલી જ છે. એમાંથી પણ ઘણા લોકોના અવસાન પામ્યા છે. ઘણી દીકરીઓ પરણીને અન્યત્ર ગઈ છે. ઘણા લોકો ધંધાર્તે બહારગામ રહે છે. આ લોકોને બાદ કરવામાં આવે તો સંખ્યા નગરપાલિકા વસ્તીની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. કલ્યાણપર ગામનો વિરોધ થતાં એ ગામ નીકળી ગયું. નજીકના ગામો જબલપુર અને લખધીરગઢનો ખુલ્લો વિરોધ હતો તેથી તેમણે નગરપાલિકાનો બહિષ્કાર કર્યો છે. ટંકારા ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ નથી. ગ્રામ સભા યોજાઈ નથી. તમામ ગ્રામજનો નગરપાલિકા બને તેના વિરોધમાં છે. છતાં ગ્રામજનોની મરજી વિરુદ્ધ ધરાર ને ફરજિયાત નગરપાલિકા આપવામાં આવી છે.આ અંગે ટંકારાના સમસ્ત ગ્રામજનોએ રેલી યોજીને મામલતદાર મારફતે સરકારને આવેદન આપ્યું છે. તેમ છતાં અરજીનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ટંકારા નગરપાલિકા ગેરકાયદેસર છે તે રદ્દ કરી પુનઃ ગ્રામ પંચાયતની બોડીને સત્તા સુપ્રત કરવામાં આવે તેવી ટંકારા ગ્રામજનોની માગણી છે. જો આમ નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જવાની જરૂર પડશે તેમ જણાવાયું છે.