મૃતક વિદ્યાર્થીના પરિવારે વિરપર નજીકની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં આવી મેનેજમેન્ટનો ઉધડો લીધો : મેનેજમેન્ટનો કોઈ વ્યક્તિ સ્મશાનયાત્રામાં કે દિલાસો દેવા પણ ન આવ્યાનો પરિવારનો વસવસોમોરબી : મોરબીના વિરપર નજીક ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયા બાદ વિદ્યાર્થીનો પરિવાર આજે શાળાએ આવ્યો હતો. તેને સીસીટીવી ફૂટેજ તપાસી માહિતી મેળવી મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. પરિવારે મેનેજમેન્ટની બેદરકારી હોવાનું જણાવી કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે.વીરપર નજીક આવેલી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં ગત મંગળવારે સ્વિમીંગ પુલમાં વિદ્યાર્થીઓ સ્વિમીંગ કરતા હતા. ત્યારે જુનાગઢના શાપુર ગામનો પ્રીત ગીરીશભાઈ ફળદુ (ઉ.વ.16) નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. અંતિમ સંસ્કાર સહિતની વિધિ વતનમાં થઈ ગયા બાદ આજે આ વિદ્યાર્થીનો પરિવાર શાળાએ આવ્યો હતો. આ વેળાએ પરિવારે મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. મૃતક વિદ્યાર્થીના પરિવારજન પરેશભાઈ ફળદુએ જણાવ્યું કે મારા ભત્રીજાનું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે અવસાન થયું છે. આટલો મોટો સ્વિમિંગ પુલ છે. જો કોચ ત્યારે હાજર હોત તો અમારો બાળક આજે જીવતું હોત. 30થી 45 મિનિટ સુધી બાળકો સ્વિમિંગ કરતા હતા ત્યારે કોચ હતા નહિ. કોચે એકેય રાઉન્ડ પણ માર્યો નથી. બીજા બાળકોએ અવાજ કર્યો ત્યારે બધા આવ્યા અને બાળકને હોસ્પિટલ લઈ ગયા. અમારૂ બાળક 4થી 5 મિનિટ સુધી સ્વિમિંગ પુલમાં જ પડ્યું રહ્યું ત્યાં સુધી કોઈની નજર જ ન પડી ? આ સ્પષ્ટ મેનેજમેન્ટની ભૂલ છે. અમારા બાળકને ન્યાય મળવો જ જોઈએ. હવે બીજી વાર કોઈ બીજા પરિવાર સાથે આવું ન થાય એટલે કાર્યવાહી થવી જ જોઈએ. અમારૂ ગામ જૂનાગઢ જિલ્લાનું શાપુર છે. કોઈ મેનેજમેન્ટની ટિમ સ્મશાન યાત્રામાં કે દિલાસો દેવા પણ આવી નથી. શાળા સંચાલક હાર્દિક પાડલીયાએ કહ્યું કે જે બનાવ બન્યો બાદ અમે અમારા તમામ પ્રયત્નો કર્યા. તમામ સહકાર આપ્યો છે. 108ને જાણ કરી, પોલીસને જાણ કરી અને તમામ સીસીટીવી ફૂટેજ આપ્યા. અમે કોઈ વસ્તુ છુપાવવા ઇચ્છતા નથી. તપાસ બાદ જે સામે આવશે તેને સ્વીકારવા પણ તૈયાર છીએ. અમે બાળકના પરિવારને મળવા જવા માટે સંપર્ક કર્યો. પણ ત્યાંથી એવું કહેવાયું કે અત્યારે ન આવો. પરિવાર ખૂબ દુઃખમાં છે.