નવો ડીપી બનાવવો, હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ નિર્માણની મંજૂરી સહિતની રજૂઆત કરાઈમોરબી : ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં મોરબીના વિકાસને લગતાં વિવિધ મુદ્દાઓ બાબતે રજૂઆત કરાઈ હતી. મોરબી બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતોમાં મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીને કાર્યરત કરવા વિનંતી કરાઈ હતી. આ ઉપરાંત મોરબી મનપામાં હાલ 1971નો ડેવલોપમેન્ટ પ્લાન હોય જે 55 વર્ષ જુનો હોવાથી નવો ડીપી બનાવવા માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મોરબી મહાનગરપાલિકા બનતા પહેલા મોરબી નગરપાલિકામાં રજૂ થયેલી અરજીઓ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલા બાંધકામોને બીનખેતી હુકમ પ્રમાણે ઈમ્પેક્ટ ફી (GRUDA-2022) અન્વયે નિકાલ કરવો જેમાં વર્ષ 1971 મુજબ ઝોનિંગ ધ્યાને લવા વિનંતી કરાઈ હતી અને જ્યાં સુધી સત્તા મંડળમાં ઝોનિંગ નક્કી ન થાય ત્યાં સુધી બીનખેતી હુકમ પ્રમાણે બાંધકામની મંજૂરી આપવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.મુખ્યમંત્રી સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે. મોરબી મનપામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં બીનખેતી પ્લોટીંગમાં થયેલા બાંધકામોને ઈમ્પેક્ટ પ્લાન અંતર્ગત કોર્પોરેશનમાં આકારી બાંધકામો અધિકૃત કરી આવા વિસ્તારોને ખાસ કિસ્સા તરીકે આદેશ કરવા વિનંતી કરાઈ હતી. ઉપરાંત મોરબીની હાલ ડી4 કેટેગરીમાં સુધારો કરી અન્ય શહેરોની જેમ હાઈરાઈઝ્ડ બિલ્ડિંગોનું નિર્માણ થઈ શકે તેવી કેટેગરીમાં સમાવેશ કરવા જણાવ્યું હતું. ઈ-નગર પોર્ટલ ઝડપી કાર્યરત થાય તેવી વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરાઈ હતી. સાથે જ મોરબી મહાનગરપાલિકામાં પ્રવર નગર નિયોજકની નવા ડીપીના ખાસ અધિકારી તરીકે નિમણૂક આપવા વિનંતી કરાઈ હતી.આ તમામ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંગત રસ લઈને વિકાસ કામગીરીને ઝડપથી આગળ વધારીને મોરબી કોર્પોરેશનને લગતાં પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. આ તકે શહેરી મંત્રાલયના અશ્વિની કુમારે પણ ખૂબ જ સાથ સહકાર આપીને મોરબી કોર્પોરેશનના વિવિધ વિકાસ કામો અંગે રસ લઈને સહકાર આપ્યો હોવાનું એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની યાદીમાં જણાવાયું છે.