એક વર્ષમાં 3.20 લાખથી વધુ દર્દીઓએ સારવાર લીધી : 4159 પ્રસુતિના કિસ્સામાં 4171 બાળકોનો જન્મમોરબી : મોરબી જિલ્લાને મેડિકલ કોલેજ મળ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સંતોષકારક સારવાર મળવાનું શરૂ થતા સારા પરિણામ મળી રહ્યા છે, છેલ્લા એક વર્ષમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં 3,20,146 લોકોએ સારવાર મેળવી હતી જે ગત વર્ષની તુલનાએ 63 હજાર વધુ છે, મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સઘન સારવારની સાથે નાના-મોટા ઓપરેશનનું પ્રમાણ પણ વધ્યું છે, એક વર્ષમાં સિવિલમાં 11 હજારથી વધુ ઓપરેશન કરાવમાં આવ્યા હતા ઉપરાંત 4159 પ્રસૂતાઓની પ્રસુતિ પણ કરવામાં આવી હતી.મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2023-24માં સિવિલમાં વર્ષ દરમિયાન કુલ 2,57,405 દર્દીઓએ ઓપીડીમાં સારવાર મેળવી હતી જેની તુલનાએ વર્ષ 2024-25માં 3,20,146 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. સરેરાશ મોરબી સિવિલમાં દરરોજ 1047 દર્દીઓ ઓપીડીમાં તાવ,શરદી, ઉધરસ તેમજ અલગ અલગ બીમારીની સારવાર માટે આવ્યા હતા. આંકડાકીય સ્થિતિ જોતા છેલ્લા એક વર્ષમાં મોરબી સિવિલ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ઓપીડીમાં કેસની સંખ્યા વધવાની સાથે જ સારવાર માટે દાખલ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. એક વર્ષમાં 84,661 દર્દીઓએ ઇન્ડોર સારવાર મેળવી હતી.મોરબી જિલ્લાની એક માત્ર મોટી કહી શકાય તેવી સરકારી સુવિધાજનક હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 2806 મેજર ઓપરેશન અને 9,130 માઇનોર ઓપરેશન કરવાંમાં આવ્યા હતા આ ઉપરાંત મોરબી સિવિલમાં ડાયાલીસીસ સેન્ટર કાર્યરત હોય અહીં એક વર્ષમાં 6934 દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવ્યા હતા. સાથે જ અહીં સારવાર લેવા આવતા 47,371 દર્દીઓને એક્સરે કરી આપવામાં આવ્યા હતા તેમજ 9,00,502 દર્દીઓને વિવિધ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા હોવાનું પણ વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છ. એકંદરે જોઈએ તો મોરબીમાં મેડિકલ કોલેજનો શુભારંભ થયા બાદ ઉતરોતર દર્દીઓનો પ્રવાહ સિવિલ હોસ્પિટલ તરફ વધી રહ્યો છે અને દર્દીઓને પણ સંતોષકારક સારવાર મળી રહી હોવાનું આંકડા ઉપરથી ફલિત થઈ રહ્યું છે.સિવિલમાં એક વર્ષમાં 4171 બાળકોનો જન્મઆજના સમયમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ સારવારના ખર્ચ લાખોમાં પહોંચી રહ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ પ્રસુતિ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ઉપર અતૂટ વિશ્વાસ રાખતો થયો છે. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં કુલ 4159 પ્રસુતિ કરવામાં આવી હતી અને કુલ 4171 બાળકોના જન્મ થયા હતા.જેમાંથી 49 ડિલિવરીમાં જોડિયા બાળકોનો જન્મ થયો છે સારી બાબત એ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં વર્ષ દરમિયાન પ્રસૂતિમાં માત્ર પાંચ જ બાળકો મૃત જન્મ્યા હતા. નોંધનીય છ કે, સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિના પડકારજનક અને જટિલ 872 કિસ્સામાં તબીબોએ ભારે જહેમત ઉઠાવી સફળ પ્રસુતિ કરાવી હતી.સાથે જ અહીં પ્રસુતિ બાદ 3403 કિસ્સામાં પ્રસૂતાઓને પ્રસુતિ બાદ બાળક સાથે ખીલખીલાટ એમ્બ્યુલન્સ મારફતે ઘર સુધી પહોંચાડવામાં આવી હતી.ડેન્ટલ અને ફિઝિયોથેરાપી માટે પણ દર્દીઓ વધ્યામોરબીની સિવિલ હોસ્પિટલમાં જનરલ તબીબી સારવારની સાથે ડેન્ટલ વિભાગમાં તજજ્ઞ તબીબો સેવા આપી રહ્યા હોય અહીં વર્ષ દરમિયાન 16,396 દર્દીઓ દાંતના રોગની સારવાર માટે આવ્યા હતા જેમાંથી 4692 દર્દીઓને જુદી-જુદી સઘન સારવાર આપવામાં આવી હતી. આ સાથે જ ફિઝિયોથેરાપી વિભાગમાં પણ એક વર્ષમાં 16,979 દર્દીઓએ અલગ -અલગ કસરત સહિતની સારવાર માટે આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.