રોકડ રકમ અને વિવિધ વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરારટંકારા : ટંકારાના ઔદ્યોગિક એકમ લજાઈ-હડમતીયા રોડ પર આવેલા આદેશ ચેમ્બર સહિતના ચેમ્બરમાં 6 જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે. તસ્કરોએ એક જ રાતમાં 6 જેટલી દુકાનોના તાળા તોડી પોલીસની કામગીરીને પડકાર ફેંક્યો છે. મળતી વિગતો પ્રમાણે તસ્કરોએ દુકાનના તાળા તોડીને રોકડ સહિતની વસ્તુની ચોરી કરી છે. જે દુકાનના તાળા તુટ્યા છે તે અંગે વેપારીઓએ પોલીસને જાણ કરી છે તેમ છતાં પોલીસના ચોપડે કોઈપણ પ્રકારની નોંધ થઈ નથી.આ અંગે ઓમ બાલાજી હાર્ડવેર નામની દુકાનના માલીક લાલાભાઈએ જણાવ્યું હતું કે, તેમણે હજુ હનુમાન જયંતીના દિવસે જ દુકાન શરૂ કરી હતી અને આજે તેમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ છે. આ ઉપરાંત ઉમા એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી પણ 10 હજાર આસપાસની રોકડ રકમ અને મોબાઈલના ચાર્જરની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે પણ હજુ સુધી સ્થળ તપાસ ન કરી હોવાનું જાણવા મળ્યું છે.