હળવદના રહીશ જેસિંગભાઈ પનારા અને તેમના પરિવાર દ્વારા મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂઆતહળવદ : હળવદમાં સરા રોડની બાજુમાં આવેલા ચંદ્ર પાર્ક પાછળ રહેતા જેસિંગભાઈ ભગાભાઈ પનારા દ્વારા તેમના મકાન પાડી દેનાર સામે કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જેસિંગભાઈના દાદા દ્વારા હળવદમાં સરા રોડની બાજુમાં આવેલા ચંદ્ર પાર્ક પાછળ 1959માં રજીસ્ટર દસ્તાવેજ વાળી નંબર 376 થી અખાત જમીન ખરીદી હતી. આ જમીન પર તેમના 8 મકાનો હતા અને તેમનો પરિવાર વર્ષોથી રહેતા હતા. ત્યારે હળવદના મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકરશીભાઈ પટેલ, વિજયકુમાર ચંદુલાલ જાકાસણીયા અને જતિનકુમાર થોભણભાઈ પટેલ નામના વ્યક્તિએ બાજુમાં જમીન ખરીદી હતી અને આ વ્યક્તિઓએ ફરિયાદીના જે મકાનો છે તેના ઉપરથી પસાર થતી વીજ લાઈન નીચે હોય અને બાજુમાં સોસાયટી બનાવવાની હોય તેથી મકાન પાડી સારા મકાન બનાવી આપવા જેસિંગભાઈ અને તેમના પરિવારને જણાવ્યું હતું અને વિશ્વાસમાં લઈને અને પછી ધાક ધમકીથી આઠેય મકાન તોડી પાડ્યા હતા. જેને આજે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી મકાન બનાવી આપવામાં આવ્યા નથી. આમ વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે આ ચારેય વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવા પરિવારજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.