રશિયાની કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે ભારતમાં 1 લાખ કર્મચારીઓને તાલીમ આપવાનો કરાર અને સ્ટીલ અને બ્રાસના બાથવેર ફિટિંગ મટિરિયલ્સ પુરા પાડવાના કરાર અંગે થઈ વાતચીત તમામ એક્ઝિબીટર્સ પાસેથી તેમને કેવા સ્કીલ્ડ એમ્પલોયીની જરૂરિયાત છે તેની યાદી IIT, NSDC અને લર્નેટ સ્કિલ્સને આપીને આ એક્સપો યુવાનોના પ્લેસમેન્ટ માટેનો સેતુ બનશેનવી દિલ્હી : નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'માં રશિયન ડેલિગેશન સાથે બે મહત્વપૂર્ણ એમઓયુને લઈને ચર્ચા થઈ છે. જેમાં રશિયાની કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ માટે ભારતમાં 1 લાખ કર્મચારીઓને તાલીમ આપવાનો કરાર અને સ્ટીલ અને બ્રાસના બાથવેર ફિટિંગ મટિરિયલ્સ પુરા પાડવાનો કરારનો સમાવેશ થાય છે. દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું આયોજન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ છે. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આ એક્સપો માટે રશિયાનું 1.02 લાખ જેટલી કંપનીઓનું સંગઠન NOSTROY ખૂબ રસ ધરાવતું હતું. સંગઠનની ખાનગી કંપનીઓ અને ગવર્મેન્ટના પ્રતિનિધિ 15 દિવસ પૂર્વે એક્ઝિબિશનના ડિરેક્ટર્સને મળવા આવ્યા હતા. તેઓને આ એક્સપોથી ખૂબ મોટી અપેક્ષા હતી. એક્સપોમાં ગઈકાલે બીજે દિવસે આ રશિયન ડેલીગેશને લર્નેટ સ્કિલ્સ અને NSDC સાથે એમઓયું માટે ચર્ચા કરી છે. જેમાં રશિયામાં અત્યારે કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝમાં 10 લાખ જેટલા કર્મચારીઓની ખાધ છે. ભારતથી 1 લાખ લોકોને જરૂરિયાત પ્રમાણેની સ્કિલ ડેવલોપ કરવા માટે આ ચર્ચા થઈ છે. આ બન્ને સંસ્થા દર વર્ષે રશિયા જવા ઇચ્છુક એક લાખ ભારતીયોને ટ્રેનિંગ આપશે તેવી વાતચીત થઈ છે. વધુમાં ઇન્ડિયન બાથવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ અને ઝેન ફિટિંગ્સના મેનેજીંગ ડિરેકટર અજિત ગર્ગ સાથે પણ એમઓયું અંગે ચર્ચા થઈ છે. જેમાં તેમની કંપનીએ રશિયન ડેલીગેટ્સની જરૂરિયાત મુજબ સ્ટીલ અને બ્રાસના બાથ ફિટિંગ્સ મટિરિયલ્સ પ્રોવાઇડ કરવાના રહેશે. વધુમાં કેન્દ્ર સરકારના આગ્રહ મુજબ વાઇબ્રન્ટ બિલ્ડકોનના ડિરેક્ટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા તેમજ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય દ્વારા આ એક્સપોના તમામ એક્ઝિબીટર્સને જે કોઈ સ્કીલ્ડ એમ્પ્લોયીની જરૂરિયાત છે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ યાદી IIT, NSDC અને લર્નેટ સ્કિલ્સને આપવામાં આવશે. આમ આ એક્સપો દેશના ટોચના સ્કીલ્ડ યુવાનોનું પ્લેસમેન્ટ કરાવવામાં મહત્વનો સેતુ બનશે.