વાંકાનેર : ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કેન્દ્ર કાર્યરત છે. ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)નો 10મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વાંકાનેરની ત્રણ વિદ્યાર્થિનીઓએ પોતાના કોર્સમાં મેડલ પ્રાપ્ત કરીને કોલેજનું નામ રોશન કર્યું છે.વાંકાનેર કેન્દ્રની વિદ્યાર્થિની ખુશ્બુ ખોરજીયાએ બીએ ઈન ઈકોનોમિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે એમએ ઈન અંગ્રેજીમાં મોઈનાબાનુ બાદીએ સિલ્વર મેડલ અને બીએ ઈન સોશિયોલોજીમાં ગુલાપ્સાબાનુ શેરસિયાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, UGCના પૂર્વ અધ્યક્ષ એમ. જગદીશ કુમાર, યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રો. અમીબેન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 300 થી વધુ અભ્યાસ કેન્દ્ર કાર્યરત છે. તેમાંથી વાંકાનેરની વિદ્યાર્થિનીઓને મેડલ મળે તે ખૂબ ગૌરવની વાત છે. ત્યારે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને હાલના રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા ઉપ પ્રમુખ કલ્પેન્દું મહેતા તથા સેક્રેટરી અનંતભાઈ મેહતા તથા ટ્રસ્ટીશ્રીઓએ મેડલ મેળવનાર વિદ્યાર્થિનીઓ તથા ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રના સંયોજક શીતલબેન શાહ તથા તમામ અધ્યાપકોએ પણ આ તકે ખૂબ ગૌરવની લાગણી અનુભવી હતી.