રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર સ્વર્ગસ્થ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું સાઈન બોર્ડ હતું તે સાઈન બોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશને કાઢી નાખ્યું છે આથી મહાનગરપાલિકાના પ્રવેશ દ્વાર ઉપર લગાવવા બાબતે રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, મોરબીના મહારાજા લખધીરસિંહજી બાપુએ અનેકવિધ સ્ટેટની ઇમારતો અને બિલ્ડીંગોને ભારત સરકારને પ્રજાની સુખાકારી માટે અર્પણ કરી છે. તેમાંનું એક ભવ્ય બિલ્ડીંગ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ જેમાં સમગ્ર મોરબી ગુજરાત અને રાષ્ટ્રની સંસ્થાઓ સાંસ્કૃતિક-શૈક્ષણિક જનજાગૃતિના કાર્યક્રમો કરે છે. આ મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલના બન્ને પ્રવેશ દ્વારો ઉપર મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ નામનું સાઈન બોર્ડ જ ન હોય તો પ્રજાવત્સલ રાજવી પરિવારે આપેલી પ્રજાની સુખાકારી સમાન ટાઉનહોલની ઐતિહાસિક ગરિમાની ઉપેક્ષા થઈ ગણાય. ત્યારે સત્વરે આ બાબતમાં રસ લઈ ઘટતી કાર્યવાહીના હુકમ કરી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય બીજા પ્રવેશદ્વાર ઉપર મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉન હોલ નામનું સાઈન બોર્ડ પુનઃ લગાવવામાં આવે તે માટે કાર્યવાહી કરવા શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા દ્વારા માગ કરવામાં આવી છે.