નાની કેનાલ રોડ ઉપર ગટરના ગંદા પાણીના વહેણ શરૂ થવા છતાં મહાનગર પાલિકાનો સ્ટાફ ન આવ્યો મોરબી : મોરબીમાં સોમવારે નાની કેનાલ રોડ ઉપર ભૂગર્ભ તારા વહેતા પાણી જેવા દ્રશ્યો સર્જાયા હતા. જો કે, કલાકો સુધી ભૂગર્ભ ગટરના પાણી છલકાઈ રોડ ઉપર વહેતા થવા છતાં મહાનગર પાલિકાના કર્મચારીઓ ફરિયાદ ઉકેલવા માટે ન આવતા સ્થાનિકોએ અપના હાથ જગન્નાથ ઉક્તિ સાર્થક કરી જાતે જ ગટરના પાણી ઉલેચવા મજબુર બન્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના નાની કેનાલ રોડ ઉપર આવેલ ઓમપાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભરાઈ જતા ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉપર વહેતા થયા હતા. એક તબક્કે તો મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી નદીની જેમ વહેવા લાગતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર થવું પડ્યું હતું.બીજીતરફ ગટરના ગંદા પાણી ઉભરાવાની સમસ્યા અંગે મોરબી મહાનગર પાલિકામાં જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે લોકોએ અપના હાથ જગન્નાથ ઉક્તિ સાર્થક કરી જાતે જ ગટરની સફાઈ કરી ગંદકીનો પ્રશ્ન ઉકેલ્યો હતો.