યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત વાયબ્રન્ટ બિલ્ડલોન એક્સપોની મુલાકાત લેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ નવી દિલ્હી : નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત વાયબ્રન્ટ બિલ્ડલોન એક્સપોની પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુલાકાત લીધી છે. આ વેળાએ તેઓએ મોરબી સિરામિક ઉદ્યોગ સહિતના અનેક સ્ટોલની મુલાકાત લઈ ગૌરવની લાગણી અનુભવી હતી. દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા ગઈકાલે નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ હતું. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આજે આ એક્સપોની પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુલાકાત લીધી છે. તેઓએ જણાવ્યું કે અહીં મોરબીના સિરામિક ઉદ્યોગોના 40થી વધુ સ્ટોલ છે. મોટી સંખ્યામાં વિદેશી ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક બાયર્સ આવી રહ્યા છે. આટલું મોટું આયોજન કરવા બદલ હું એક્સપોના આયોજકોને અભિનંદન પાઠવું છું. આ એક્સપો થકી આપણા વેપારને વધુને વધુ વેગ મળે અને વધુમાં વધુ નિકાસ થાય તેવા ઉમદા પ્રયત્નો કરવામાં આવ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગોના સ્ટોલની વિઝિટ લઈને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. મોરબી ક્યારેય પાછળ રહેતું નથી. આ ભવ્ય એક્સપોમાં સિરામિક ઉદ્યોગોએ આકર્ષણ જગાવ્યું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ 200થી વધુ દેશોમાં માલની નિકાસ કરી રહ્યો છે. ત્યારે હજુ પણ વેપાર વધતો રહે તેવી શુભકામનાઓ પાઠવું છું.