રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોની મુલાકાતે : નારેડકોના પેનલ ડિસ્કશનમાં આપી હાજરી : સૌરાષ્ટ્રના અનેક સ્ટોલ્સની મુલાકાત લીધીનવી દિલ્હી : નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત વાયબ્રન્ટ બિલ્ડલોન એક્સપોની રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ મુલાકાત લીધી છે. આ વેળાએ તેઓએ નારેડકોના પેનલ ડિસ્કશનમાં હાજરી આપી હતી. સાથે સૌરાષ્ટ્રના અનેક સ્ટોલ્સની મુલાકાત લઇ તેઓએ પ્રોડક્ટની વિગતો મેળવી હતી.દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા ગઈકાલે નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યુ હતું. આ એક્સપો તા.16 સુધી ચાલવાનો છે. આજે આ એક્સપોની રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ મુલાકાત લીધી છે. એક્સપોના ડિરેકટર્સ વિજયભાઈ અઘારા, જીતેન્દ્રભાઈ કથીરિયા, એક્સપોના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાત સહિતનાએ તેઓનું સ્વાગત કર્યું હતું. દરમિયાન આજે એક્સપોમાં નારેડકો દ્વારા પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ફોરેન ડેલીગેટ્સ અને ડોમેસ્ટિક બાયર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પરસોત્તમભાઈ રૂપાલાએ આ ઇવેન્ટમાં હાજરી આપી દીપ પ્રાગટય કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે એક્સપો તો આપણા દેશની જૂની પરંપરા છે. પહેલા કબીલા હતા ત્યારે વણઝારાઓ વસ્તુઓ વેચવા એક જગ્યાએ મુકામ કરતા અને લોકોને એક જ જગ્યાએથી બધી વસ્તુઓ મળી જતી હતી. આમ એક્સપો નામ નવું છે પણ આપણી જ જૂની પરંપરા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આ એક્સપોમાં મેન્યુફેક્ચર્સ, ટ્રેડર્સ અને ગ્રાહકને એક પ્લેટફોર્મ ઉપર લાવે છે અને વેપારના સંજોગોને ઉજળા બનાવે છે. એક્સપોમાં ભાગ લેનારાઓને એક્સપોમાં પ્રોડક્ટ જોઈ માર્કેટમાં શુ ચાલી રહ્યું છે તે જોઈને પોતાની પ્રોડક્ટમાં સુધારા કરવાની તક મળે છે. વધુમાં આ એક્સપો યશોભુમી કન્વેશન સેન્ટર ખાતે ચાલી રહ્યો છે. આ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર છે.આનો પણ ફોરેન બાયર્સ ઉપર સારો પ્રભાવ પડે છે.તેઓએ ઉમેર્યું કે હમણાં મે નારેડકોના પેનલ ડિસ્કશનમાં હાજરી આપી હતી. નારેડકોના પ્રેસિડેન્ટ હરિ બાબુએ આ ઇવેન્ટમાં કહ્યું કે તેઓ પહેલા ચીનથી ટાઇલ્સ મંગાવતા હતા. પાંચેક વર્ષ પહેલાં ત્યાંથી જે રૂ.100ની વસ્તુ મળતી હતી. હવે મોરબીથી જ આ વસ્તુ રૂ.50માં મળી રહે છે. તે પણ ક્વોલિટીવાળી વસ્તુ મળે છે. હવે કોઈ પણ વસ્તુ માટે ક્યાંય જરૂર નથી. બધુ મેડ ઇન ઇન્ડિયા મળી રહે છે.