હાથીની અંબાડી પર સંવિધાન સાથે ભવ્ય શોભાયાત્રા નીકળીમોરબી : આજે મોરબી જિલ્લામાં ઠેર ઠેર ભારતના બંધારણના ઘડવૈયા એવા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ડો. બાબાસાહેબની જન્મ જયંતીએ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને મહાનગરપાલિકા ખાતે ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂ ખાતે પૂર્ણ થઈ હતી. આયોજક મનુભાઈએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ જન્મજયંતી મહાઉત્સવ સમિતિ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે રેલવે સ્ટેશનથી આ શોભાયાત્રા શરૂ થઈ છે. જે સુપર ટોકિઝ થઈ ત્રિકોણબાગ થઈ નહેરુ ગેઈટ થઈ મહાનગરપાલિકા ખાતે આવેલા ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂ ખાતે પહોંચશે. ત્યાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે, સૌપ્રથમ વખત દેશના સંવિધાનને હાથીની અંબાડીમાં બિરાજમાન કરીને આ શોભાયાત્રા નીકળી છે. બપોર બાદ સામાકાંઠે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ સુશોભિત ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રેરણાદાયી સુશોભન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં લોકોએ જય ભીમના નારા સાથે ડી.જે. અને ઢોલના તાલે ઝુમીને ડો. બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી કરી હતી.