ટંકારા : ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકર બાબાસાહેબની 134મી જન્મજયંતી ટંકારા ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે. વિશાળ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરશે. ભીમસૈનિકો દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શોભાયાત્રા બાદ મૈત્રીભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ટંકારા તાલુકાનાં અનુસુચિત સમાજ અને ડો. આંબેડકર ભવન સેવા સમિતિ દ્વારા આવતીકાલે 14 એપ્રિલ ને સોમવારે ભારતના બંધારણના ઘડવૈયા પ્રથમ કાયદા મંત્રી બૌદ્ધ પુનજાગરણનું ઉમદા કાર્ય કરી વંચિત સોશિતના હમદર્દ બની અનેક યોજના લાવનાર ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.કાર્યક્રમની શરૂઆત ટંકારા આંબેડકર હોલ, લતિપર રોડ તાલુકા પંચાયત સામેથી સવારે 9 વાગ્યે કરવામાં આવશે. જ્યા સંગીત ધુન સાથે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના નેજા હેઠળ રેલી શહેરના દેરીનાકાથી પ્રવેશ કરી જય ભીમના ગગનભેદી નારા સાથે નગરમાં ફરશે. અંતે આંબેડકર હોલ ખાતે પહોંચી રેલીનું સમાપન થયે સાથે મૈત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૌ તાલુકા વાસીને પધારવા આયોજક ટીમે આમંત્રણ પાઠવ્યું છે.