મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ધોરણ 10 કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના અભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ સાથે આજે 13 એપ્રિલના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી અનુસંધાને મોરબી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને તજજ્ઞ જવાહર નવોદય વિદ્યાલય મોરબીના આચાર્ય રવિન્દ્ર બોરલે દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પછી આગળ શું અભ્યાસ કરી શકાય અને હાલ ઉપલબ્ધ અલગ અલગ પ્રોફેશનલ કોર્ષ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. મોરબી નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારની પ્રવર્તમાન યોજનાઓ વિશે વિગતવાર જાણકારી અપાઇ હતી. નાયબ પોલીસ અધિક્ષક વી.બી. દલવાડી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મૂંઝવતા પ્રશ્નો વિશે માહિતી પૂરી પડાઈ હતી તથા સાયબર અવેરનેસ બાબતે તેમજ મોબાઈલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભ બાબતે જરૂરી માહિતી આપવામાં આવી હતી.