યશોભૂમિ ખાતે ભારતનો આ સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો ચાર દિવસ ચાલશે : 250થી વધુ પ્રદર્શકો, 700થી વધુ વૈશ્વિક ખરીદદારો અને 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ લેશે ભાગ : કાલે સુનિલ શેટ્ટી પણ આપશે હાજરીનવી દિલ્હી : ભારતનો સૌથી મોટો બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લ્યુઝોન પ્રસ્તુત 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા આવતીકાલે રવિવારના રોજ નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 8 વાગ્યે કરવામાં આવશે. આ એક્સપોમાં 250થી વધુ પ્રદર્શકો, 50,000થી વધુ સ્થાનિક મુલાકાતીઓ અને 700થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે.આ એક્સપોમાં અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, યુકે, સ્પેન, યૂએઈ સહિત ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને અન્ય અનેક પ્રદેશોમાંથી 60થી વધુ દેશોના ખરીદદારો હાજરી આપવાના છે. આવતીકાલે સવારે 8 વાગ્યે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અહીં પધારીને એક્સપોને ખુલ્લો મુકશે. આ વેળાએ બૉલીવુડ અભિનેતા અને વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનિલ શેટ્ટી પણ હાજરી આપશે. આવતીકાલે ઇનોગ્રેશન ઇવેન્ટની સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અલગ- અલગ ઈન્ડસ્ટ્રીઝના લોકોને મળશે. વધુમાં અહીં દરરોજ સેમિનાર અને પોડકાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં સિરામિક ટાઇલ્સ & સેનેટરી વેર, માર્બલ- ગ્રેનાઇટ & સ્ટોન, હાર્ડવેર- બાથ ફિટિંગ્સ- સિંક, પાઇપ & ફિટિંગ્સ, ટીમ્બર- પ્લાયવુડ, લેમીનેટ્સ & ટીમ્બર્સ , પેઇન્ટ્સ - જીપ્સમ બોર્ડ,ગ્લુ - એડહેસીવ અને કેમિકલ, સિમેન્ટ અને ટીએમટી સળીયા જેવા ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ વાયબ્રન્ટ બિલ્ડકોન ડિરેકટર્સ વિજયભાઈ અઘારા અને જીતેન્દ્રભાઈ કથીરિયા, વાયબ્રન્ટ બિલ્ડકોનના ગ્લોબલ બિઝનેશ હેડ વિશાલ આચાર્ય, કેપેક્સિલના વાઇસ ચેરમેન અને મેમ્બર બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર નિલેશ જેતપરિયા, કેપેક્સિલના પ્રદેશ કમિટી મેમ્બર નરેન્દ્ર સંઘાતના માર્ગદર્શન હેઠળ એક્સપોમાં તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.વાયબ્રન્ટ બિલ્ડકોન 2025માં ભાગ લેવો એ ફક્ત વ્યવસાયિક સફળતા તરફનું એક પગલું નથી પણ ભારતીય બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રી માટે વૈશ્વિક ઓળખ બનાવવા તરફ એક ઐતિહાસિક પહેલ છે. જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો બ્રાન્ડ સ્થાપિત કરવા માંગે છે, નિકાસ વધારવા માંગે છે અને વૈશ્વિક ખરીદદારો સુધી પહોંચવા માંગે છે, તેમના માટે વાયબ્રન્ટ બિલ્ડકોન 2025 એક સંપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. આ એક્સ્પો ભારતના બાંધકામ ઈન્ડસ્ટ્રીના વૈશ્વિક વિસ્તરણની નવો અધ્યાય લખવા માટે તૈયાર છે.