મોરબીમાં 8 અબજ રામનામ મંત્ર સાથેની હનુમાનજીની 108 ફૂટ ઉંચી મૂર્તિઅનાથાશ્રમ,વૃદ્ધાશ્રમની સેવા સાથે અહીં અપાય છે વેદની વિદ્યા મોરબી : મોરબીના ભરતનગર - બેલા રોડ પર આવેલા ખોખરા હનુમાન હરિહર ધામ વર્ષોથી સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે. સંત કેશવાનંદ બાપુની સેવાપૂજા બાદ અહીં સીતારામબાપુ અને બાદમાં હાલમાં મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી અહીં સેવાની જ્યોતને પ્રજવલિત કરી અનાથાશ્રમ,વૃદ્ધાશ્રમ સાથે ઋષિકુમારોને વેદની વિદ્યા આપવામાં આવી રહી છે.મોરબી નજીક આવેલા ખોખરાધામ હનુમાનજીની જગ્યા સાથે દેશવિદેશના અનેક શ્રદ્ધાળુઓ જોડાયેલા છે. એપ્રિલ 2021 ના રોજ અહીં ગણપતિજી મહારાજ, ગુરુદેવ દત્તાત્રય, હનુમાનજી મહારાજ, રઘુનાથ દરબાર, દ્વારકાધીશ-રુક્ષ્મણી માતા, ગાયત્રી માતા, સરસ્વતી માતા, મહાકાળી માતા, અષ્ટભુજા દુર્ગા માતા તથા શિવ પરિવારની સ્થાપના ધાર્મિક વેદોક્ત વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે જ અહીં તા. 16-04-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 108 ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.આ દિવ્ય મૂર્તિમાં 8 અબજ રામનામ મંત્ર લખેલા છે. આ વિશાળ મૂર્તિ ગુજરાત નહિ પણ પશ્ચિમ ક્ષેત્રની સૌથી મોટી મૂર્તિમાં ગણના થાય છે.હનુમાનજી મહારાજની આ મૂર્તિ દિલ્હીના ઉદ્યોગપતિ નિખિલ નંદા પરિવારે બનાવડાવી છે.નંદા પરિવાર દ્વારા મોરબી ઉપરાંત હિમાચલ પ્રદેશમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. સાથે જ એક મૂર્તિ હાલમાં રામેશ્વરમાં નિર્માણાધીન છે અને બીજી એક આસામ માં પણ નિર્માણ કરી ચારેય દિશામાં એક સરખી મૂર્તિ સ્થાપિત કરવાનો ધ્યેય છે. ખોખરા હરિહર ધામ ખાતે હાલમાં અન્નક્ષેત્ર, સંસ્કૃત વેદ વિદ્યાલય પણ શરૂ કરાયું છે જેમાં 80 ઋષિકુમારો સંસ્કૃતનો અભ્યાસ કરે છે, આ ઉપરાંત યજ્ઞ શાળા, ગૌશાળા, વૃદ્ધાશ્રમ જેમાં 32 જેટલા વૃદ્ધો રહે છે તેમજ અનાથાશ્રમમાં 60 બાળકોને આશ્રય અપાયો છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવતા હોય આ સ્થળ ધાર્મિક પર્યટન સ્થળ બની ગયું છે.