મોરબી : મોરબીના સ્થાનકવાસી જૈન સંઘ, દેરાવાસી જૈન સંઘ, દિગંબર જૈન સંઘ, શ્રીમદ રાજચંદ્ર સહિતના તમામ જૈન મંડળો દ્વારા આયંબિલ તપની ઓળી કાર્યક્રમ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં 9 દિવસ સુધી એક જ સમય ભોજન લઈને આરાધકો આરાધના કરી રહ્યા છે. જેમાં 500 થી વધુ જૈનો અને અન્ય લોકો આ આયંબિલ તપ કરે છે. જેમાં 40 થી વધુ સ્વયં સેવકો સેવા આપી રહ્યા છે અને આ ભોજનમાં સ્વેચ્છાએ આવેલી રકમ જીવદયા માટે વાપરવામાં આવે છે.આ અંગે જૈન સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, મોરબીના સમસ્ત જૈન સમાજના લોકો દ્વારા છેલ્લા ચાર વર્ષથી આયંબિલ તપની આરાધના થાય છે. એક જ સ્થળે એક જ સાથે આ ઉજવણી થાય તે માટે જૈન સમાજના દરેક મંડળો પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે પણ આયંબિલ તપની આરાધનાનું આયોજન કરાયું છે. આજે આઠમો દિવસે છે. આયંબિલ ઓળીના તપ દરમિયાન દિવસમાં એક જ વખત ભોજન લેવામાં આવતું હોય છે અને એ પણ મરી-મસાલા કે તેલ-ઘી વગરનું કોરું લેવામાં આવે છે. આરાધકો આ પ્રકારનો ખોરાક દિવસમાં એક જ વખત લેતા હોય છે. આ ઉપરાંત સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી પીતા હોય છે. આ વર્ષે 500થી વધુ આરાધકો આ તપમાં જોડાયા છે.