મહાનગર પાલિકા માટે સીટી બસ ચલાવવી ખોટનો ધંધો : ટિકિટની આવક થઇ 5,09,591 રૂપિયા અને ડીઝલ ખર્ચ થયો 6,97,985 રૂપિયામોરબી : મોરબી શહેરમાં નગરપાલિકા સમયથી સીટી બસ ચલાવવામાં નગરપાલિકા ખોટ કરતી હતી જે સીલસીલો મહાનગર પાલિકાના સમયમાં પણ ચાલુ રહ્યો છે, સીટી બસનો કોન્ટ્રાકટ રદ્દ થતા હાલમાં મહાનગર પાલિકા દ્વારા ગાંધી ચોકથી શનાળા વચ્ચે બે બસ અને એક બસ ગાંધી ચોકથી પીપળી વચ્ચે એમ ત્રણ બસ ચલાવી રહી છે જેમાં છેલ્લા પાંચ મહિનામાં 50 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જો કે, આ સમયગાળામાં મહાનગર પાલિકાને ટિકિટ ખર્ચની તુલનાએ ડીઝલ ખર્ચ વધુ આવ્યો હતો.મોરબી મહાનગર પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં નગરપાલિકા સમયમાં સીટી બસનો કોન્ટ્રાકટ રદ થયા બાદ નગરપાલિકા દ્વારા ગાંધીચોકથી શનાળા અને મહેન્દ્રનગર ચોકડી સુધી ત્રણ બસ મહાનગર પાલિકા પોતાના સ્ટાફ મારફતે ચલાવતી હતી. બાદમાં જાન્યુઆરી મહિનાથી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા મહાનગર પાલિકા પણ હાલમાં પોતાના હસ્તક 3 સીટી બસ સેવા ચાલુ રાખી છે જેમાં છેલ્લા પાંચ મહિના દરમિયાન કુલ 50,957 મુસાફરોએ મુસાફરી કરી હતી.વધુમાં મહાનગર પાલિકાને આ સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 5,09,591 રૂપિયાની આવક થઇ હતી. જેમાં ગાંધીચોકથી શનાળા અને ગાંધીચોકથી પીપળી સુધી બસ ચલાવવા પાછળ પાંચ મહિનામાં કુલ 7716 લીટર ડીઝલનો વપરાશ થયો હોય મહાનગર પાલિકાને સીટી બસ ચલાવવા માટે આ પાંચ મહિનાના સમયગાળામાં ડીઝલ પાછળ રૂપિયા 6,97,985 નો ખર્ચ થયો હતો. એકદંરે મોરબી મહાનગર પાલિકાને સીટી બસ ચલાવવામાં ખોટનો ધંધો કરી આવક કરતા વધુ ખર્ચ કરવો પડ્યો હતો.મહાનગર પાલિકામાં સમાવિષ્ઠ તમામ ગામ સુધી સીટી બસ દોડશેમોરબી મહાનગર પાલિકા દ્વારા સીટી બસ નેટવર્કને મજબૂત અને અદ્યતન બનાવવા માટે હાલમાં ખાસ આયોજન હાથ ધરાયુ છે જેમાં સીટી બસનો કોન્ટ્રાકટ આપી મહાનગર પાલિકામાં ભળી ગયેલા શનાળા, રવાપર, ત્રાજપર, માળીયા વનાળીયા, લીલાપર, મહેન્દ્રનગર અને ભડીયાદ સહિતના તમામ ગામ સુધી સીટી બસ સેવા શરૂ કરવા પ્લાનિંગ કરવામાં આવ્યું છે આને સંભવતઃ આગામી થોડા સમયમાં જ શહેરીજનોને અદ્યતન સીટી બસ સેવાનો લાભ મળતો થાય તેવા સંકેત મહાનગર પાલિકાના સૂત્રોએ આપ્યા હતા.