8 મે સુધી દરરોજ એક શો એમ કુલ 7 શોનું આયોજન : વિશાળ સ્ટેજ ઉપર 450 જેટલા કલાકારો અને હાથી, ઘોડા, ઊંટ હશે : નાટકની આવકમાંથી ભારતમાતાનું મંદિર બનાવાશેમોરબી : મોરબીના આંગણે 2 મેથી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ઉપર બનેલું ભવ્ય નાટક 'જાણતા રાજા' ભજવાશે. આ નાટક એટલું ભવ્ય હશે કે સ્ટેજ ઉપર હાથી, ઘોડાથી લઈ ઉંટ સુધીના આકર્ષણો હશે. આ નાટક મોરબીવાસીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પ્રસંગોને માણવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે. આ અંગે વિગતો આપતા મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું છે કે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના આંગણે 2મેથી 8 મે સુધી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ઉપરના 'જાણતા રાજા' નાટકના 7 શોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં 2018માં આ નાટક આવ્યું ત્યારે 32 હજાર લોકોએ નિહાળ્યું હતું. ત્યારે થયેલી આવકમાંથી જડેશ્વર પાસે ભારત માતા મંદિર માટે જમીન લીધી હતી. હવે આ નાટકમાંથી જે આવક થશે તેમાંથી બાંધકામ કરાશે. આ બાંધકામ નાટક પૂર્ણ થયે જ શરૂ કરી દેવાશે. વધુમાં તેઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ મહાનાટકના 1203 શો થઈ ગયા છે. કરોડો લોકોએ નાટક નિહાળ્યું છે. મોરબીમાં આ નાટક 3 હજાર સ્કે. ફૂટના સ્ટેજમાં ભજવાશે. જેમાં 350 કલાકારો બહારથી આવશે. મોરબીના 100 કલાકારોને પણ નાટકનો હિસ્સો બનવાનો લાભ મળશે. નાટકમાં સ્ટેજ ઉપર હાથી, ઘોડા, ઉટ સહિતના આકર્ષણો હશે. ટૂંકમાં આ નાટક દરેક લોકોએ આપણા ઇતિહાસથી વાકેફ થવા અને છત્રપતિ શિવાજી મહારાજના જીવન પ્રસંગને જાણવા માટે જોવું જ જોઈએ.જાણતા રાજાના નાટકની ટીકીટ માટે કેપીટલ માર્કેટ ખાતે તેમના જાણતા રાજા કાર્યાલયનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે