પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડ ખાતે કમિશનરની ઉપસ્થિતિમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ યોજાઈમોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તારીખ 31 માર્ચ થી 7 એપ્રિલ સુધી કમિશનરના આદેશ અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સ્કૂલોમાંથી 5 સ્કૂલોમાં 530 વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે શાળાઓનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર એનઓસી ન ધરાવતી શાળાને નોટિસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી હતી.મોરબી જિલ્લામાં 15 જુદી જુદી જગ્યાએ આગના બનાવ બન્યા હતા તેમજ 1 ડેડબોડીનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. તેમજ 1 કેમિકલ સ્પીલેજ કોલમાં ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી. તારીખ 8 એપ્રિલના રોજ પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડ ખાતે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં ફાયર હાયડ્રન્ટ ડ્રીલ કરવામાં આવી હતી. કેમિકલ સ્પીલેજ કોલમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ફાયર સ્ટાફને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્પાલસિંહ સરવૈયા, હિતેશભાઈ મેટાલિયા, મહેન્દ્રભાઈ ગોહિલ, ભાગ્યરાજસિંહ જાડેજા, કિશનભાઈ ભટ્ટ, રિતેશભાઈ ચાવડા, પ્રિતેશભાઈ નગવાડિયા અને વિમલભાઈ બાવળિયાને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ફાયરને લગતી કોઈપણ દુર્ઘટના વખતે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના 02822-230050 અને 101 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.